રાજકીય ફંડિંગ મામલે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત, દિલ્હી સહિત દેશભરમાં ૫૦ ઠેકાણે એક સાથે દરોડા પાડ્યા છે. એવું કહેવાય છે કે ચૂંટણી પંચના રિપોર્ટના આધારે આવકવેરા વિભાગની રેડની કાર્યવાહી ચાલી રહી છે. રેડમાં ૩૦૦થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે અને તેમાં સીઆરપીએફના જવાન પણ સામેલ છે. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ ૫૦ ઠેકાણે ચાલી રહી છે.
દરોડા એન્ટ્રી ઓપરેટર અને વેપારીઓના ત્યાં પડી રહ્યા છે. જે નાના રાજકીય પક્ષોને એન્ટ્રી ઓપરેટર દ્વારા ડોનેશન આપી રહ્યા છે અને ડોનેશનના બદલે કેશ પાછી લઈ લે છે.
અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચના રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે કેટલાક રાજકીય પક્ષોને ખોટી રીતે ફંડ અપાઈ રહ્યું છે ત્યારબાદ આઈટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. દરોડા બાદ કેટલીક કોર્પોરેટ કંપનીઓ અને કેટલાક રાજકીય પક્ષો પર સકંજો કસાઈ રહ્યો છે.