દેશમાં હાલ બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. ત્યારબાદ નવી ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે દોડાવવામાં આવી. હવે ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ થઈ રહી છે. કહેવાય છે કે આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવી શકે છે. નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હી-કટરા વચ્ચે જે વંદે ભારત ટ્રેન દોડી રહી છે તે આધુનિક સુવિધાઓથી લેસ છે. જેમાં જીપીએસ આધારિત સૂચના સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોઈલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટન છે. અત્રે જણાવવાનું કે દેશની સૌથી હાઈ સ્પીડ દોડતી ટ્રેન વંદે ભારત છે.
આ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ ૧૮૦ કિમી પ્રતિ કલાક છે. રેલવેએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી મોદીની જાહેરાત મુજબ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં વંદે ભારતની ૭૫ ટ્રેનો પાટા પર દોડતી હશે. આઈસીએફની દર મહિને છ થી સાત વંદે ભારત રૈક (ટ્રેન)ની ઉત્પાદન ક્ષમતા છે અને આ સંખ્યા વધારીને ૧૦ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ટ્રાયલ રનમાં ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટિ્વટર પર જાણકારી આપતા કહ્યું કે વંદે ભારત-૨ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગડા સેક્શન વચ્ચે ૧૨૦/૧૩૦/૧૫૦ અને ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી શરૂ થયું. રેલવે મંત્રી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી શકે છે કે તેજ રફ્તાર ટ્રેનમાં એક ગ્લાસ રાખવામાં આવ્યો છે. હાઈ સ્પીડ હોવા છતાં પણ ગ્લાસમાંથી એક ટીપું પાણી બહાર આવ્યું નથી જે જોઈને તમે પણ દંગ રહી જશો.