દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. આજે ૧૧ વાગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ છે. બેઠક ટાણે જ આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં ૪૪ જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે હાલ સંપર્ક થઈ શકતો નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને ૨૦ કરોડની ઓફર અપાઈ રહી છે. વિધાયકો સાથે સંપર્ક ન થવા મામલે તેમણે કહ્યું કે અમને પૂરો ભરોસો છે કે તમામ ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં સામેલ થશે.
હાલમાં જ ૪ ધારાસભ્યોએ ભાજપ પર ૨૦ કરોડમાં ખરીદવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. આવામાં આમ આદમી પાર્ટીને આશંકા છે કે ક્યાંક ભાજપ તેમના ધારાસભ્યોને તોડી ન નાખે. આથી ગઈ કાલે સાંજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નક્કી થયું કે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચશે તે વાત પર તમામની નજર રહેશે. આપના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે આપ ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી, અને કુલદીપ કુમારનો ભાજપના નેતાઓએ સંપર્ક કર્યો છે. જેમની સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધ છે. સંજય સિંહે એવો પણ દાવો કર્યો કે આ ચાર ધારાસબ્યોને એવી રજૂઆત કરાઈ છે કે જો તેઓ ભાજપમાં સામેલ થશે તો તેમને ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવશે અને જો તેઓ પોતાની સાથે અન્ય ધારાસભ્યોને લઈને આવશે તો તેમને ૨૫ કરોડ આપવામાં આવશે. ધારાસભ્યોની ખરીદી અને સરકાર પાડવાના આરોપ પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે, તેમને આ પ્રકારના પ્રસ્તાવ દારૂ માફિયા પાસેથી મળ્યા હશે. તેઓ એ લોકોના નામ કેમ નથી જણાવતા જેમણે તેમનો સંપર્ક કર્યો? અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર શુક્રવારે યોજાવવાનું છે. આ સત્ર દિલ્હી વિધાનસભાની આબકારી નીતિ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અને ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને લલચાવવાના આરોપો વચ્ચે યોજાવવા જઈ રહ્યું છે.