શુભમન ગિલને ઝિમ્બાબ્વે શ્રેણી ફળી, વન-ડે રેન્કિંગમાં ફાયદો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના ઓપનર શુભમન ગિલે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીમાં સદી ફટકારતા તેણે આઈસીસી વન-ડે રેન્કિંગમાં ૪૫ સ્થાનની છલાંગ લગાવી છે. બુધવારે જાહેર થયેલા આઈસીસી વન-ડે રેન્કિંગમાં શુભમન ગિલ ૩૮માં ક્રમે પહોંચ્યો છે. ગિલે ઝિમ્બાબ્વે સામેની અંતિમ વન-ડેમાં ૧૩૦ રન તેમજ શ્રેણીમાં ૨૪૫ રન ફટકારતા તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ભારતનો વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી આઈસીસી વન-ડે બેટ્‌સમેન રેન્કિંગમાં પાંચમા ક્રમે યથાવત્‌ રહ્યો હતો. વિરાટ કોહલીને ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી હાલમાં ૭૪૪ રેટિંગ પોઈન્ટ્‌સ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ઝિમ્બાબ્વે શ્રેણીમાં ટીમનો હિસ્સો નહતો અને તે છઠ્ઠા ક્રમે યથાવત્‌ છે. શિખર ધવને ત્રણ મેચમાં બે અડધી સદી સાથે કુલ ૧૫૪ રન કર્યા હતા અને તે એક ક્રમ સરકીને ૧૨માં ક્રમે રહ્યો છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વન-ડેમાં ટોચના ક્રમના બેટ્‌સમેન તરીકે યથવાત્‌ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાનો સારી વાન ડર ડુસૈન બીજા ક્રમે છે અને તેના ૭૮૯ રેટિંગ પોઈન્ટ્‌સ થયા છે. બોલર્સના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ક્રમે રહ્યો છે. આ ઉપરાંત વન-ડેમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન રહ્યો હતો.

Share This Article