દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ૪G સર્વિસમાં ક્રાંતિ કર્યા પછી હવે 5G સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. એક અંદાજ પ્રમાણે આગામી સોમવારથી, એટલે કે ૨૯ ઓગસ્ટથી દેશમાં 5G સેવા ચાલુ થઈ જશે. આ દિવસે રિલાયન્સ પોતાની ૪૫મી એન્યુઅલ જનરલ મિટિંગ યોજશે. આ ઈવન્ટમાં રિલાયન્સ પોતાનો 5G ફોન પણ લોન્ચ કરશે તેમ માનવામાં આવે છે.
શરૂઆતમાં દેશના ૧૩ શહેરોમાં જ 5G સર્વિસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં દિલ્હી, બેંગલુરુ, ચંદીગઢ, ગાંધીનગર, અમદાવાદ, ગુરુગ્રામ, મુંબઈ, પૂણે, હૈદરાબાદ, ચેન્નાઈ, જામનગર, કોલકાતા અને લખનૌ સામેલ હશે. તાજેતરમાં સ્પેક્ટ્રમની હરાજી થઈ તેમાં જિયો સૌથી મોટી બિડર હતી. ખાસ કરીને ૭૦૦ હર્ટ્ઝ ફ્રિકવન્સીમાં રિલાયન્સ જિયોએ સૌથી મોટી બિડ કરી હતી. રિલાયન્સ જિયોને લિસ્ટેડ કંપની બનાવવાની તૈયારી ચાલે છે. તેથી તેના આઈપીઓ અંગે પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
આગામી AGMમાં કંપની પોતાના જિયો ફોન ૫ય્ની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઓનલાઈન રિપોર્ટ પ્રમાણે આ ફોન ગૂગલ સાથે સહયોગથી બનાવવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ૬.૫ ઇંચ HD ક્વોલિટીની સ્ક્રીન હશે. તે આઈપીએસ ડિસ્પ્લે ધરાવશે અને રિફ્રેશ રેટ ૬૦ હર્ટ્સ હોવાની શક્યતા છે. આ ફોનની કિંમત રૂ. ૧૦,૦૦૦ની આસપાસ રહેવાની શક્યતા છે. જિયોફોન 5G ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર ધરાવશે અને તે ૪ GB રેમ તથા ૩૨ GB ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટીથી સજ્જ હશે તેમ માનવામાં આવે છે.
ટેલિકોમ કંપનીઓએ હજુ ફાઈવ જી સર્વિસ માટે ટેરિફની જાહેરાત નથી કરી, પરંતુ શરૂઆતમાં માસિક ભાડું ૫૦૦થી ૭૦૦ રૂપિયા રાખવામાં આવે તેવી શક્યતા છે. ૪G સરખામણીમાં 5G સ્પીડ ઓછામાં ઓછી ૧૦ ગણી વધારે હશે. તેથી લગભગ ૯૦ ટકા ભારતીયો 5G સર્વિસ તરફ વળવા તૈયાર છે જેના માટે તેઓ ૧૦થી ૧૫ હજાર રૂપિયાનો નવો ફોન ખરીદવા માટે પણ રાજી છે. રિલાયન્સની હરીફ કંપની એરટેલે આગામી મહિને 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં ૪G સર્વિસમાં એવરેજ ડાઉનલોડ સ્પીડ ૧૪ MBPS હોય છે જ્યારે ગ્લોબલ એવરેજ ૩૦ MBPSની છે.
ભારતમાં 5G સર્વિસ શરૂ થશે ત્યારે ગ્રાહકોને ૫૦થી ૩૦૦ MBPS વચ્ચે સ્પીડ મળે તેવી શક્યતા છે.