આરજેડીના સુપ્રિમો લાલુ યાદવ ટૂંક સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જશે એવી આરજેડીના સૂત્રોએ માહિતી આપી છે. લાલુ પરિવારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટરોની સલાહ લીધી છે. વાસ્તવમાં લાલુ યાદવ ઘણી બીમારીઓથી પીડિત છે. તેમને કિડની અને ફેફસામાં ગંભીર ચેપ છે. તે ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ છે. તેમની બંને કિડની ૭૫ ટકાથી વધુ ડેમેજ થઈ ગઈ છે. લાલુ પરિવારમાં લાલુ યાદવને સિંગાપુર મોકલવાની ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાલુને સિંગાપુર મોકલવા માટે ડોક્ટરોની સલાહ લેવામાં આવી રહી છે.
લાલુ યાદવને પટનામાં તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ૧૦ સર્કુલર રોડ આવાસની સીડી પરથી પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીના એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ લાલુ દિલ્હીમાં જ તેમની મોટી પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીના સત્તાવાર નિવાસસ્થાને રહીને સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ લાલુ યાદવ આ અઠવાડિયે પટના પરત ફર્યા હતા.
થોડા મહિના પહેલા લાલુ યાદવે બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ આરકે સિન્હા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સિન્હાએ તેમને જણાવ્યું હતુ કે તેમની પોતાની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સિંગાપોર કરવામાં આવ્યું હતું. લાલુ યાદવ અને આરકે સિન્હાએ આ અંગે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી. એક રિપોર્ટ અનુસાર સિંગાપોરમાં જે લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે તેમનો સક્સેસ રેશિયો ઘણો સારો છે. જો કિડની જીવંત દાતા પાસેથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો તેની સફળતા દર ૯૮.૧૧ ટકા છે. જ્યારે મૃતક દાતા તરફથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર ૯૪.૮૮ ટકા છે. ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો ૯૦ ટકા છે. આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષની બીજા નંબરની પુત્રી રોહિણી આચાર્ય તેના પતિ સાથે સિંગાપોરમાં રહે છે. રોહિણીએ સમરેશ સિંહ સાથે લગ્ન કર્યા છે જે લાલુ યાદવના મિત્ર રાય રણવિજય સિંહના પુત્ર છે. સમરેશ પહેલા અમેરિકામાં રહેતો હતો, પરંતુ બાદમાં સિંગાપોર શિફ્ટ થઈ ગયો હતો. લાલુ યાદવની પુત્રી અને જમાઈ અહીં રહેતા હોવાથી તેમના માટે અહીં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અનુકૂળ રહેશે તેવું માનવામાં આવે છે.