યમુનાનગરના ગુમથલા ગામમાં ૪ પુત્રો પિતાનું મોઢું જોવા પણ તૈયાર નથી આલમ એ છે કે, સંબંધોના તણાવમાં ફસાયેલા લોહીના સંબંધો એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. પરિણામે ચાર-ચાર દીકરા છતા જન્મ આપનાર પિતા છેલ્લા ત્રણ માસથી ખુલ્લા આકાશ નીચે દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક ધર્મશાળાની બહાર ખાટલા પર ક્યારેક ગરમી અને ક્યારેક વરસાદનો સામનો કરી રહેલા આ ૭૫ વર્ષીય પિતાને જોઈને લોકો ભાવુક થઈને મદદ કરી રહ્યા છે, પરંતુ આ માર્ગ પરથી પસાર થતા તેમના ચાર પુત્રોને પિતાની ચિંતા નથી.
વડીલનો આરોપ છે કે, તેમણે પોતાના ચાર પુત્રોના નામે બધું કરી દીધુ, પરંતુ તે ચાર ભેગા થઈ મને બે ટાઈમ રોટલી નથી આપી શકતા અને તેંને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા. વૃદ્ધ ટીકારામ પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતાં રડી પડ્યા હતા. તેમણે રડતા-રડતા કહ્યું કે, તેમને ચાર પુત્રો છે. એક પુત્ર અલગ રહે છે અને ત્રણ પુત્રો સાથે રહે છે. ચાર પુત્રોમાંથી કોઈ તેમને પોતાની સાથે રાખવા તૈયાર નથી. મજબૂર થઈને તે ધર્મશાળાની બહાર એક ખાટલા પર રહે છે અને પડોશના લોકો તેમને બે ટાઈમનો રોટલો આપે છે. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ઘટનાસ્થળે આવેલી પોલીસ તેમના ઘરે ગઈ હતી. ઘરમાંથી વૃદ્ધની પત્ની અને એક પુત્રની પત્ની મળી આવી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમણે વૃદ્ધને ઘરમાંથી બહાર કાઢ્યા નથી, તે પોતાની મરજીથી ઘર છોડી ગયા છે. પોલીસે પુત્રો સાથે ફોન પર વાત કરતાં તેઓએ બહાર હોવાની વાત કરીને એક દિવસનો સમય માંગ્યો હતો. પોલીસનું કહેવું છે કે, વડીલના પુત્રો પરત આવતા જ તમામને બેસાડીને કૌટુંબિક વિવાદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે.