ચીન પોતાના અવનવા સર્જન બાબતે પ્રખ્યાત છે. આ વખતે ચીને વિશ્વનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ બનાવ્યો છે. હોંગકોંગને ચીનના ઝુહાઈ શહેર સાથે જોડતા આ બ્રિજને બનાવવા માટે એટલું સ્ટીલ વપરાયું છે કે એટલા સ્ટીલમાં ૬૦ એફિલ ટાવરનું નિર્માણ થઈ શકે. સતત સાત વર્ષ દિવસ-રાત આ બ્રિજનું કામ ચાલું રહ્યું હતું.
આ વર્ષે ખુલ્લા મુકાનારા બ્રિજ પાછળ ચીને લગભગ ૧૦૦ બિલિયન યુઆન યાને અંદાજે ૧૫.૧ બિલિયન ડોલર જેટલો માતબર ખર્ચ કર્યો છે. ૨૦૧૭ના અંતમાં બ્રિજ બની જાય એવું લક્ષ્યાંક બંધાયું હતું, પણ એક ૬ કિલોમીટર અંડર વોટર બાંધકામમાં ધારણા કરતા વધુ સમય ગયો હતો. આ બ્રિજને હજુ સત્તાવાર રીતે કોઈ નામ અપાયું નથી, પરંતુ હોંગકોંગથી ચીનના ઝહાઈ શહેર વચ્ચેનું સમૃદ્ર ઉપરનું ૫૫ કિલોમીટરનું અંતર આ બ્રિજથી તય કરી શકાશે.
હોંગકોંગથી ચીનનું ઝહાઈ શહેર અંતર કાપવામાં અગાઉ ત્રણ-ચાર કલાકનો સમય જતો હતો, કિન્તુઆ બ્રિજ ચાલુ થઈ ગયાપછી તે માત્ર ૩૦ મિનિટમાં પૂરું કરી શકાશે. ચીનના બાંધકામ અધિકારીઓએ એક મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે ૪,૨૦,૦૦૦ ટન સ્ટીલ આ બ્રિજના બાંધકામમાં વપરાયું હતું. આટલા સ્ટીલથી પેરિસનો જગવિખ્યાત એફિલ ટાવર ૬૦ વખત બની જાય! સમૃદ્ર ઉપર ૫૫ કિલોમીટર લાંબો બ્રિજ ચાલુ થશે તે સાથે જ આ બ્રિજ સમૃદ્ર ઉપરનો વિશ્વનો સૌથી લાંબો બ્રિજ બની જશે. બ્રિજ માત્ર સાદો બ્રિજ જ નથી, પણ અન્ય આધુનિક સુવિધા પણ બ્રિજ સાથે જોડવામાં આવી છે.
જેમ કે, પુલ સાથે જોડીને બનાવાયેલા કૃત્રિમ ટાપુઓ ઉપર ઈલેક્ટ્રિક કાર રીચાર્જ થઈ શકે તેવા ૫૦૦ ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે. માત્ર ચાર્જિંગ સ્ટેશન પાછળ જ ૧.૩૦ કરોડનો ખર્ચ કરાયો છે. ઉપરાંતઆ બ્રિજને ૧૨૦ વર્ષ સુધી કશું જ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.