સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઇ)એ ધોરણ-૧૦ની ગણિત અને ધો-૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લીધો છે. આ બંને વિષયના પ્રશ્નપત્રો લીક થઇ ગયા હોવાના આરોપો સપાટી પર આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિષયના પ્રશ્રપત્રો સોશિયલ મીડિયા પર ફરતા થઇ ગયા હતાં. એક સપ્તાહની અંદર પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવશે. ધોરણ. ૧૦ની ગણિતની પરીક્ષા આજે લેવામાં આવી હતી જ્યારે અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૬ માર્ચે લેવામાં આવી હતી. પેપર લીક થયાના આરોપ પછી આ બંને પરીક્ષા રદ કરવામાં આવી છે.
જો કે આ અગાઉ સીબીએસઇએ પેપર લીકના અહેવાલ ખોટા ગણાવી તપાસના આદેશ આપ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ માનવ સંશાધન વિકાસ પ્રધાન જાવડેકર સાથે વાત કરી પેપર લીક થવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગણિતનું પેપર લીક કરનાર જૂથની ઓળખ કરી લેવામાં આવી છે. ફરીથી થનારી પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટે સરકાર એક સુરક્ષિત સિસ્ટમની રચના કરવાના પ્રયત્નો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિકલી કોડેડ પેપર એક્ઝામિનેશન સેન્ટર્સને મોકલવામાં આવશે. અડધા કલાક પહેલા સેન્ટર્સને ઇલેક્ટ્રોનિક પેપર મોકલવામાં આવશે. આ પેપર પાસવર્ડથી સુરક્ષિત હશે. સેન્ટર પર જ પ્રિન્ટ આઉટ કાઢીને વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે.