રોટરી ઇન્ટરનેશનલના યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બ્રાઝિલની ૧૬ વર્ષની કિશોરી એરિકા મેલીમ રોટરી ક્લબ ઓફ ભાવનગરની મહેમાન બની એક વર્ષ સુધી ભાવનગરમાં રહી ભારતીય સંસ્કૃતિને સમજવા અને ભણવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત ભાવનગરની દીકરી રિત્વી કેતનભાઈ પારેખ એક વર્ષ માટે અમેરિકા જઈ ત્યાંની સંસ્કૃતિને સમજવા અને ભણવાનો પ્રયાસ કરશે. આમ એકબીજા દેશ સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરીને એકમેકની પરંપરા, રીતરિવાજ, રહેણીકરણી, વારસા વિગેરેને જાણીને બન્ને દેશ વચ્ચે એક સેતુ વધુ મજબૂત કરશે.
આમ રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા આંતરરાષ્ટ્રિય કક્ષાએ યુથ એક્ષચેન્જમાં જોડાણ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે આ આયોજન થશે.સમગ્ર વિશ્વના ૨૨૦ કરતા વધારે દેશોમાં પથરાયેલ રોટરી ઇન્ટરનેશનલના યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં આ વર્ષે ભાવનગરની જાણીતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગરે ભાગ લીધેલ છે. જેમાં ભાવનગરમાંથી એક દીકરી ફોરેન જશે. અને વિદેશથી એક દીકરી ભાવનગર આવશે તેમજ ભાવનગરની મહેમાનગતિ માણીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને જાણીને સમજવાનો પ્રયાસ કરશે.