અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ ૧ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ હતી, જેનો વીડિયો નાગરિકે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવતાં આગામી મહિને થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય એવી પૂરી શક્યતા છે.
મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, ૨૦૨૨માં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. ૨૦ મે ૨૦૨૨ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું. આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-૧ માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.
ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો ૨૧.૧૬ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૬.૫૩ કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જે પછી સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશન સુધી પહોંચશે. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ ૪૦ કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-૧માં ૩૨ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર ૧૮.૮૭ કિલોમીટરનો રહેશે, જે વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં ૧૫ સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર ૨૧.૧૬ કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.૨૧ કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સુવિધા ઓગસ્ટ સુધી મળી શકે છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનને અમદાવાદમાં દોડતી કરી દેવાશે. હાલમાં વિકાસ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો કુલ ખર્ચ રૂ.૫.૩૮૪ કરોડ છે. ફેઝ-૨ના કોરિડોર-૧ ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી ૨૨.૮ કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા માટેનું આયોજન છે.