આણંદ સ્થિત એનડીડીબી મૃદા લી.ને પગલે રાંધવા માટેના ઇંધણનું સ્થાન બાયોગેસ લઇ લેવાથી ખેડૂતોને નાણાની બચત તો થશે જ. પરંતુ તેની સાથે સાથે સ્લરી, છાણના વેચાણમાંથી પશુપાલકોને વધારાની આવક પ્રાપ્ત થવાના નવા માર્ગો પણ ખુલી જશે. અત્યાર સુધીમાં ગાયના છાણનો સારી રીતે ઉપયોગ કરવા માટે છુટાછવાયા અને વ્યક્તિગત પ્રયાસો જ થયાં છે. જોકે, આ નવી કંપની હવે ગાયના છાણમાંથી બનાવવામાં આવતા ખેતરના મેનેજમેન્ટના પ્રયાસોને માળખાગત રીતે પ્રોત્સાહન પુરૂ પાડશે.
ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા ખાતરના ઉપયોગને પ્રોત્સાહન પ્રાપ્ત થવાથી તે ધીમે ધીમે રાસાયણિક ખાતરના સ્થાને જૈવિક ખાતરના ઉપયોગ તરફ દોરી જશે અને તેના પરિણામ સ્વરૂપ આયાત પરની ભારતની ર્નિભરતા ઘટતી જશે. આ પહેલી એવી કંપની છે, જે ગાયના છાણના મેનેજમેન્ટની એક મૂલ્યશ્રૃંખલાની રચના કરી છાણનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા પર કેન્દ્રીત છે, જે પશુપાલકોની આજીવિકાને વધારવામાં ખૂબ મોટું યોગદાન આપવાની સાથે સાથે સ્વચ્છ ભારત મિશનમાં પણ યોગદાન આપશે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે.
આણંદ સ્થિત એનડીડીબી દ્વારા ખાતરના મેનેજમેન્ટ માટે એનડીડીબીની સહાયક કંપની એનડીડીબી મૃદા લી. લોન્ચ કરવામાં આવી છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતના કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ કંપની સમગ્ર દેશમાં ખાતરના મેનેજમેન્ટ સંબંધિત વિવિધ પહેલને આગળ વધારવા માટે લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહન અને મંજૂરીની સાથે એનડીડીબીએ પોતાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એનડીડીબી મૃદા લીમીટેડની સ્થાપના કરી છે. જે ૧લી જુલાઇ,૨૦૨૨ના રોજ કંપનીઝ એક્ટ, ૨૦૧૩ હેઠળ સંસ્થાપિત થયેલી અનલિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપની છે. જે રૂ.૯.૫૦ કરોડની પેઇડઅપ કેપિટલ ધરાવે છે.