ભાજપ સાંસદની પાંચ વર્ષની પુત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મુલાકાત ખુબ ચર્ચામાં છે. પીએમ મોદી અને બાળકીની મનોરંજક વાતચીત કંઈક એવી હતી કે પીએમ મોદી ખુદ હસ્વા લાગ્યા. હકીકતમાં મધ્ય પ્રદેશથી ભાજપ સાંસદ અનિલ ફિરોજિયા પોતાના પરિવારને પ્રધાનમંત્રીની મુલાકાત માટે લઈ ગયા હતા. આ દરમિયાન તેમની પાંચ વર્ષની પુત્રી અહાના ફિરોજિયા પણ સાથે આવી હતી. પ્રધાનમંત્રીએ નાની બાળકીને પૂછ્યું કે શું તે જાણે છે કે હું કોણ છું. તેના પર બાળકીનો જવાબ રસપ્રદ હતો. બાળકીએ જવાબ આપ્યો, ‘હાં, તમે મોદી જી છો. તમે ટીવી પર દરરોજ આવો છો.’ બાળકીની વાત સાંભળી પ્રધાનમંત્રીને પણ હસવુ આવી ગયું.
પીએમ મોદીએ બીજીવાર પૂછ્યું, ‘શું તું જાણે છે હું શું કરુ છું.’ બાળકીએ જવાબ આપ્યો- તમે લોકસભામાં કામ કરો છો. બાળકીના આ જવાબ પર પીએમની સાથે ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. પીએમ મોદીએ અહાનાને ચોકલેટ પણ આપી. આ પહેલા ભાજપ સાંસદે પોતાના ટિ્વટર પર લખ્યું, ‘આજનો દિવસ અવિસ્મરણીય છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી, આદરણીય નરેન્દ્ર મોદીજીને આજે સપરિવાર મળવાનું સૌભાગ્ય મળ્યું, તેમના આશીર્વાદ અને જનતાની નિઃસ્વાર્થ સેવાનો મંત્ર પ્રાપ્ત થયો.’ કર્મઠ, ઈમાનદાર, નિઃસ્વાર્થી, ત્યાગી તથા દેશ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સાનિધ્યમાં મને પણ જનતાની સેવાનો અવસર મળ્યો છે. સાંસદે લખ્યું- આજે મારી બંને પુત્રીઓ નાની અહાના અને મોટી બાલિકા પ્રિયંશી આદરણીય પ્રધાનમંત્રીજીને મળી અને તેમનો સ્નેહ મેળવી ખુબ આનંદિત અને અભીભૂત છે.
અનિલ ફિરોજિયા સાંસદના રૂપમાં ખુબ ચર્ચિત છે. તેમણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કહેવા પર પોતાનું વજન ઘટાડ્યું હતું. હકીકતમાં અનિક ફિરોજિયા નિતિન ગડકરી પાસે ક્ષેત્રના વિકાસ માટે સતત બજેટની માંગ કરી રહ્યાં હતા. ત્યારે ગડકરીએ તેમની સામે એક શરત રાખી કે તે પોતાનું વજન ઓછુ કરે છે તો દર કિલોના બદલામાં ક્ષેત્રના વિકાસ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવશે. ગડકરીની ચેલેન્જ મળ્યા બાદ સાંસદ પોતાનું વજન ઘટાડવાના કામમાં લાગી ગયા. ઉજ્જૈન સંસદીય સીટથી સાંસદ અનિલ ફિરોજિયાએ પડકારનો સ્વીકાર કરતા ૧૫ કિલો વજન ઘટાડ્યું હતું.