ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર પૂરું થવાની ચર્ચા વચ્ચે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના તમામ સભ્યોએ ધારાસભ્યોને વર્ષે પોતાના મતવિસ્તારોમાં વાપરવા માટે મળતી ગ્રાન્ટ વધારવા માટે માગણીઓ કરી હતી જેને પગલે નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે ૫૦ લાખનો વધારો કર્યો છે જેથી હવે ધારાસભ્યો એકને બદલે દોઢ કરોડ ખર્ચી શકશે.
કોંગ્રેસના ધારાસભ્યોએ એવી વાત કરી હતી કે, એક કરોડની ગ્રાન્ટમાં નાગરિકો માટેના વિકાસના કામો યોગ્ય રીતે થઈ શકતા નથી. આ રકમ ઓછી પડે છે. આવી ગ્રાન્ટ વધારીને ૨થી ૩ કરોડ કરવી જોઈએ. ત્યારબાદ અન્ય સભ્યોએ પણ ગ્રાન્ટ વધારવા માટે ગણગણાટ સાથે બમાબૂમ કરી હતી. એટલું જ નહિ ભાજપના ધારાસભ્યો પણ ગ્રાન્ટ વધે તેની તરફેણમાં હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી સાથે જોડાઈ ગયા હતા. જેમાં કેટલાકે તો પાંચ કરોડ કરી દો તેવી બૂમો પાડી હતી. તો કેટલાક ધારાસભ્યો હાથના ઇશારાથી બે અને પાંચ કરોડ કરવાની માંગણી કરતા હતા.
આથી નીતિન પટેલે કહ્યું કે, ગૃહમાં મુખ્યમંત્રી હાજર નથી હું તેમની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. અત્યારે જ ગ્રાન્ટ વધારવાનો નિર્ણય કરવો જરૂરી નથી. વરિષ્ઠ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ બેઠાબેઠા જ નીતિન પટેલને જાહેરાત કરવાની વિનંતી કરી હતી. આખરે નીતિન પટેલે ઉભા થઈ કહ્યું હતું કે, તમામ ધારાસભ્યોની સાથે અધ્યક્ષની પણ લાગણી છે, જે અમારા માટે સર્વોચ્ચ છે. ધારાસભ્યોની ગ્રાન્ટ ૫૦ લાખ વધારીને દોઢ કરોડની કરવામાં આવે છે.