ગઈ કાલે કર્ણાટકમાં આગામી વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આગામી ૧૨મી મેના રોજ એક જ તબક્કામાં કર્ણાટકમાં મતદાન યોજાશે. જ્યારે ત્રણ દિવસ બાદ ૧૫મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે.
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ફરી સત્તા મેળવવા માટે ભાજપ ભારે પ્રયાસો કરી રહ્યું છે. અહીં ભાજપ અધ્યક્ષ અમિત શાહથી લઇને નરેન્દ્ર મોદી સુધીના દરેક મોટા નેતાઓ પ્રચાર કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી અને મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાને આપવામાં આવી છે. અન્ય રાજ્યોની જેમ કર્ણાટકની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ જાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.
કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભાની બેઠકો છે. જેના પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. આગામી ૧૭મી એપ્રીલે ચૂંટણી પંચ નોટિફિકેશન જારી કરશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૪મી એપ્રીલ રહેશે. અને પાછા ખેંચવાની તારીખ ૨૭મી એપ્રીલ જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી પંચનાં કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું હતું કે હવેથી જે પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યાં ઇવીએમને વોટર વેરિફિએબલ પેપર ઓડીટ ટ્રાઇલ(વીવીપીએટી) સાથે જોડવામાં આવશે.