ગુજરાત સરકાર દ્વારા તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત કર્યાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરાઇ હતી.
આગામી નવા શૈક્ષણિક સત્ર જૂન ૨૦૧૮થી ગુજરાત બોર્ડ, CBSE, ICSE, IB, CISCE, IGCSE સહિતના તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષયને ફરજીયાત ભણાવાશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાનાં માધ્યમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિથી પરિચિત થાય તેવા હેતુથી સરકાર માન્ય અન્ય બોર્ડ-માધ્યમની શાળાઓમાં પણ ગુજરાતી શીખવવાનો નિર્ણય લીધો છે.
તેઓએ વધુમાં કહ્યું કે, અન્ય માધ્યમની શાળાઓમાં ધો. ૧થી ૮માં આ નિર્ણયના અમલીકરણમાં કોઇપણ પ્રકારની સગવડ ઊભી ન થાય તે માટે પહેલા અને બીજા ધોરણમાં પરિચયાત્મક ભાષા શિક્ષણ અપાશે.