ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનાં બનાવોમાં અપમૃત્યુનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ગાંધીનગર જિલ્લાના પહોળા-ખુલ્લા રસ્તાના કારણે ઘણા વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા રહેતા હોય છે. જેનાં કારણે ઘણીવાર જીવલેણ અકસ્માત સર્જાતો હોય છે. એમાંય સ્કૂલમાં પણ વાલીઓ પોતાના બાળકોને વાહનો લઈને મોકલતાં હોવાનો ટ્રેન્ડ ગાંધીનગરમાં વધુ જોવા મળી રહી છે. મોટાભાગે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તેમજ માર્ગો ઉપર બેફામ દોડતા વાહનોનાં કારણે માર્ગ અકસ્માતના બનાવો સર્જાઈ રહ્યાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યનાં અધ્યક્ષ સ્થાને મળેલી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં માર્ગ અકસ્માતનાં બનાવો ઉપર અંકુશ લાવવાનાં પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં તાજેતરમાં જ ગાંધીનગરથી ચિલોડા જવાના માર્ગ પર માર્ગ અકસ્માતમાં બીએસએફ જવાનનું પણ મૃત્યૃ થયુ હતું. તે અંગે દુઃખ વ્યક્ત કરીને જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતની મોટા ભાગની ઘટનાઓ પાછળ મોટાભાગે વાહન ચાલકની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન ન કરવા જેવા કારણ રહેલા હોય છે. તેમણે જિલ્લામાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે વાહન ચાલકોમાં જાગૃત્તિ લાવવાના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેની સાથે શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે સેમિનાર યોજવા પર પણ ભાર મુક્યો હતો. જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં ગાંધીનગર આરટીઓના અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગાંધીનગર જિલ્લામાં ગત એપ્રિલ,મે અને જુન મહિના દરમિયાન માર્ગ અકસ્માતની ૧૭૩ ઘટના બની હતી .જેમાં એપ્રિલ માસમાં ૬૫,મે માસમાં ૮૪ અને જૂન માસમાં ૬૯ અકસ્માત નોંધવામાં આવ્યા હતાં.આ ત્રણ માસ દરમિયાન અકસ્માતમાં ૬૩ વ્યક્તિના મૃત્યુ થયા હતાં અને ૬૫ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ૭૧વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી.
ગાંધીનગર જિલ્લામાં વધતા જતાં માર્ગ અકસ્માતોનાં બનાવોને અંકુશમાં લાવવા માટે સમયાંતરે રોડ સેફ્ટી કમિટીની બેઠક મળતી હોય છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં છેલ્લા ત્રણ મહિનામાં ૧૭૩ માર્ગ અકસ્માતના બનાવોમાં ૬૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ ૧૧૦ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના આંકડા જાહેર કરાયા હતા.