બિહારમાં રહો છો અને જો બીજા લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છો તો રાજ્ય સરકારે તમારા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન ખાસ કરીને બિહાર સરકારમાં નોકરી કરતા લોકો માટે છે. નીતીશ સરકારે નક્કી કર્યું છે કે, જો તમે સરકારી નોકરીમાં બીજા લગ્ન કરો છો તો તમારે તે પહેલા તમારા વિભાગને માહિતી આપવી પડશે. મંજૂરી મળ્યા બાદ જ તમે બીજા લગ્ન કરી શકો છો. જો મંજૂરી લેવામાં નહીં આવે તો તે લગ્ન અમાન્ય ગણાશે. બિહાર સરકારની ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ સરકારી કર્મચારીને ભલે પર્સનલ કાયદા હેઠળ બીજા લગ્ન કરવાની મંજૂરી મળી હોય, પરંતુ જ્યાં સુધી સરકાર મંજૂરી નહીં આપે ત્યાં સુધી તેમના લગ્ન વિભાગમાં માન્ય ગણાશે નહીં. સરકારના સૂત્રોનું કહેવું છે કે તાજેતરમાં બીજા લગ્નના બાળકોને અનુકંપાથી નોકરી મળવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. ઘણા કેસમાં ફ્રોડ કેસ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ સરકારે નક્કી કર્યું છે કે બિહાર સરકારના કોઈપણ કર્મચારીએ બીજા લગ્ન કરતા પહેલા તેમના વિભાગને માહિતી આપવાની રહેશે. ત્યારે જે તેમના અકાળ મૃત્યુ બાદ બીજા પત્નીના પુત્રને અનુકંપા પર નોકરી મળી શકે છે.
બીજા લગ્નને લઇને બિહાર સરકારની નવી ગાઈડલાઈન અનુસાર સરકારી નોકરી દરમિયાન બીજા લગ્ન કરવા માંગતા કર્મચારીઓએ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. સરકારી મંજૂરી લીધા બાદ બીજા લગ્ન કરશે પછી નોકરી દરમિયાન અકાળે મૃત્યુ પામનાર કર્મચારીઓની જીવિત પત્નીઓ અથવા તેમના બાળકોને અનુકંપાનો ફાયદો મળશે. જોકે, એલિમોની પેન્શન અથવા અનુકંપા નોકરી આપવામાં પહેલી પત્નીને પ્રાથમિકતા આપવામાં આવશે. તેને લઇને સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગોના વડા, ડીજીપી, સબ ડિવિઝનલ કમિશનર, તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ જાહેર કર્યો છે.
સામાન્ય વહીવટ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બીજા લગ્ન કરનારે તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજા લગ્ન બાદ અનુકંપા હેઠળ નોકરીનો લાભ ત્યારે જ મળશે, જ્યારે તેમને સરકાર પાસેથી મંજૂરી લીધી હશે અને કાયદેસર લગ્ન કર્યા હશે. આ પ્રકારના કિસ્સામાં સરકારના નક્કી કરેલા નિયમો-કાયદાઓનું પાલન કરવું જરૂરી માનવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કિસ્સામાં એકથી વધારે લગ્ન માન્ય છે, તો પણ તમામ હયાત પત્નીઓનું અનુકંપાના આધાર પર પુનઃસ્થાપન માટે આશ્રિતોની શ્રેણીમાં પહેલું સ્થાન જ રહશે. તેમાં પણ પહેલી પત્નીને જ પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યાં સુધી બીજી પત્ની નો ઓબ્જેક્શન એફિડેવિટ સબમિટ ન કરે ત્યાં સુધી તેણીની પુનઃસ્થાપનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.