ગાંધીનગર કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે કહેવાતા સ્માર્ટ સીટી ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર રખડતાં પશુઓએ જાહેર અને આંતરિક માર્ગો ઉપર અડીંગો જમાવી દીધો છે. કડક કાયદાની સૂફીયાંણી વાતો કરીને મનપા તંત્રએ હથિયાર હેઠા મૂકી દેવામાં આવતાં રખડતા ઢોરોએ રીતસર ગાંધીનગર શહેરને બાનમાં લીધુ હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે નગરજનો માંગણી કરી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા પછી નગરજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેકસ ઉઘરાવી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નિવડેલ મનપા તંત્રની કામગીરી સામે નાગરિકો હાલમાં ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોએ શહેરમાં આધિપત્ય જમાવી દીધું હોવા છતાં કોર્પોરેશન તંત્ર ધ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ખાડાઓ, ડિસ્કો રસ્તા, ગંદકી સહિતની સમસ્યાઓથી નાગરિકો તોબા પોકારી ઉઠયા છે. એમાંય છેલ્લાં ઘણાં સમયથી અચાનક જ મોટી સંખ્યામાં રખડતા ઢોરો જાહેર અને આંતરિક માર્ગો ઉપર બેફામ બનીને ફરી રહ્યા છે.
ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સૌથી વધુ રખડતાં ઢોરોની સમસ્યા વકરી રહી છે. વહેલી સવારથી જ માર્ગો ઉપર પશુઓ ઝૂંડમાં માર્ગો પર ફરતા થઈ જાય છે. જેનાં કારણે નાગરિકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. રાયસણમાં મિની કમલમ તરીકે ઓળખતાં ભૈરવનાથ પાર્ટી પ્લોટ વિસ્તારનાં બે કિલો મીટર વિસ્તારમાં સવાર પડતાં જ માર્ગો ઉપર રખડતાં પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતાં હોય છે. આટલું ઓછું હોય એમ રખડતાં કૂતરાની ફોજ પણ માર્ગો ઉપર ફરવા માંડી છે. છતાં કોર્પોરેશન તંત્રનું પેટનું પાણી હલતું નથી. નવાઈની વાત છે કે ખુદ મેયર, ડેપ્યુટી અને સ્ટેન્ડીંગ ચેરમેન રાયસણનાં ભાજપ કાર્યાલયની અવારનવાર મુલાકાત લેતા હોવા છતાં ઉક્ત પદાધિકારીઓને પણ કોઈ કારણોસર રખડતા પશુઓ માર્ગો ઉપર ધ્યાને આવતા નથી.
બીજી તરફ ગાંધીનગર જિલ્લા કલેકટરે જાહેરમાં ઘાસચારો વેચવા, સંગ્રહ કરવા તેમજ પશુઓને ખવડાવવા ઉપર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ લાદી દેવાયો છે. છતાં કલેક્ટરના હુકમની પણ તંત્ર દ્વારા કડક અમલવારી કરવામાં આવતી નથી. જેનાં કારણે રાયસણ વિસ્તારમાં ઘાસચારો વેચવાની પ્રવૃતિઓ ફૂલીફાલી છે. આથી ગાંધીનગર શહેરને રખડતા ઢોરોથી મુક્તિ અપાવવા માટે નાગરિકો મનપા તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યા છે. આ અંગે શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, શહેરને સ્માર્ટ સીટી બનાવવા ઠેર ઠેર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે. એવામાં પશુ પાલકો ઢોરોને છુટા છોડી દેતાં હોવાથી માર્ગો પર પશુઓ, કૂતરાઓ ઝૂંડમાં ફરવા લાગ્યા છે. જેનાથી મુક્તિ અપાવવા માટે માંગ છે.