રાજ્યના પાટનગર ગાંધીનગર વિકાસની હરણફાળ સાથે સ્માર્ટ સીટી બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં મેટ્રો રેલ, ઓવરબ્રીજ ઉપરાંત અનેક રહેણાંક વસાહતો સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે. જેનાં માટે હાલમાં હજારો પરપ્રાંતિ મજૂરો ગાંધીનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજુરી કામ કરી રહ્યા છે. જો કે ઘણાખરા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોને નિયમ મુજબ રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવતી ન હોવાથી ઠેર ઠેર ઝુંપડા ઉભા થવા લાગ્યા છે. ઝૂંપડા ઉભા થતા ગંદકી, દબાણ અને જાહેરમાં શૌચક્રિયા સહિતનું દૂષણ દિન પ્રતિદિન વધવા માંડયું છે. કોર્પોરેશન તંત્ર પણ ગાંધીનગર સ્માર્ટ સીટી બનાવવા માટે અનેક પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. જેનાં માટે પણ મજૂરો કામ કરી રહ્યા છે. પરંતુ નિયમ મુજબ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ મજૂરોને રહેવાની સુવિધા આપવાની રહેતી હોય છે. જેનું છડેચોક ગાંધીનગરમાં ઉલ્લંઘન થતું હોવાનું મનપા તંત્રના ધ્યાન પર આવ્યું છે. શહેરમાં ઠેર ઠેર ઉભી થઈ રહેલી ઝૂંપડીના કારણે વસાહતીઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે નાની મોટી ચોરીઓનું પણ પ્રમાણ વધ્યું છે.
ગાંધીનગરમાં વક્રી રહેલા ઝૂંપડપટ્ટીના દૂષણ ને દૂર કરવા મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં બિલ્ડરો – કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી તેમની સાઈટ પર કામ કરતાં મજૂરો માટે રહેવાની વ્યવસ્થા ગોઠવવા કહેવામાં આવશે. તેમ છતાં જો બિલ્ડરો – કોન્ટ્રાક્ટરો નોટિસનો અનાદર કરશે તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ મનપા સૂત્રોએ જણાવ્યું છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એકતરફ ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટો પર કામ કરતાં મજૂરો દ્વારા ઝુંપડા ઉભા કરી દેવાયા છે. જેનાં કારણે ગંદકી, દબાણ સહિતની સમસ્યાઓ વકરી રહી છે. નિયમ મુજબ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોને રહેવાની વ્યવસ્થા કરવાની રહેતી હોવાથી આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા તેઓને નોટિસ ફટકારી દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.