ડોલો ૬૫૦ દવા બનાવતી કંપની માઇક્રો લેબ્સને લઇને દરરોજ કોઈને કોઈ ખુલાસો થઈ રહ્યો છે. કંપની પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા બાદ હવે કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડની તપાસમાં મોટી જાણકારી સામે આવી છે. સીબીડીટીએ ડોલો ૬૫૦ બનાવતી કંપની સામે તેમના પ્રોડક્ટને વધારવા માટે ડોક્ટર અને તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ૧૦૦૦ કરોડ રૂપિયા મફત ભેટ આપવાનો આરોપ લાગ્યો છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૬ જુલાઈના બેંગલુરૂ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડના ૯ રાજ્યોમાં ૩૬ સ્થળો પર દરોડા બાદ આ દાવો કર્યો છે. સીબીડીટી તરફથી બુધવારના એક નિવેદનમાં જણાવ્યું કે દવા બનાવતી કંપની સામે કાર્યવાહી બાદ વિભાગે ૧.૨૦ કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને ૧.૪૦ કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે. આ વિશે માઇક્રો લેબ્સને મોકલવામાં આવેલા ઇમેઇલનો કંપની તરફથી હાલ કોઈ જવાબ આવ્યો નથી.
સીબીટીડીએ કહ્યું, તપાસ અભિયાન દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા તરીકે આપત્તિજનક પુરાવા મળ્યા છે અને તેમને જપ્ત કરવામાં આવ્યા છે.
બોર્ડના જણાવ્યા અનુસાર પુરાવાથી સંકેત મળ્યા છે કે ગ્રુપે તેમના પ્રોડક્ટને વધારવા માટે ખોટી પદ્ધતિઓનો પણ આશરો લીધો. આ રીતે મફત ભેટની રકમ ૧૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે. સીબીડીટીએ જોકે, તેમના નિવેદનમાં ગ્રુપની ઓળખ કરી નથી. પરંતુ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગ્રુપ માઇક્રો લેબ્સ જ છે. તમને જણાવી દઈએ કે, માઇક્રો લેબ્સની ડોલો ૬૫૦ ટેબલેટના વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત તેજી આવી છે. એટલું જ નહીં ડોલોના વેચાણે તમામ રેકોર્ડ તોડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ૨૦૨૦ માં કોવિડ ૧૯ મહામારી સામે આવ્યા બાદ ૩૫૦ કરોડ ટેબલેટ વેચી છે અને એક વર્ષમાં ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.