જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગ અને કેપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગની મદદથી ભારતે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ૧૦ વિકેટે ભવ્ય જીત મેળવી હતી. ભારતનો ઈંગ્લેન્ડ સામે આ સૌપ્રથમ ૧૦ વિકેટથી વિજય રહ્યો હતો. બુમરાહની સ્વિંગ બોલિંગ સામે ઈંગ્લેન્ડના ટોચના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. બુમરાહે સપાટો બોલાવતા ૭.૨ ઓવરમાં ફક્ત ૧૯ રન ખર્ચીને કુલ છ વિકેટ ઝડપી હતી. શમીએ ત્રણ જ્યારે પ્રસિદ્ધે એક વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની ટીમ ૨૫.૨ ઓવરમાં ૧૧૦ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે કેપ્ટન રોહિત શર્માની અણનમ ફિફ્ટીના સહારે એકપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંકને પાર કર્યો હતો. રોહિત શર્મા (૭૧*) અને શિખર ધવન (૩૧*) વચ્ચે પ્રથમ વિકેટની ૧૧૪ રનની અજેય ભાગીદારી રહી હતી. ભારતીય ટીમે ટી૨૦ શ્રેણી ૨-૧થી જીત્યા બાદ પણ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં ટી૨૦ જેવો જુસ્સો બતાવ્યો હતો અને ૧૮.૪ ઓવરમાં જ લક્ષ્યાંક પાર કરી લીધો હતો.
ભારતના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ઈંગ્લેન્ડના ૧૧૧ રનના આસાન લક્ષ્યાંકને પાર કરી પ્રથમ વન-ડેમાં જીત મેળવવાની સાથે શ્રેણીમાં પણ ૧-૦ની લીડ અપાવી હતી. શિખર ધવનને શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી અને ૧૭ બોલમાં ફક્ત બે રન કરી શક્યો હતો. જો કે તેણે લય મેળવ્યા બાદ રોહિતનો સાથ આપ્યો હતો. રોહિત શર્માએ કેપ્ટન ઈનિંગ્સ રમતા ૫૮ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૭૬ રન ફટકારી અણનમ રહ્યો હતો.
વિરાટ કોહલીને સાથળમાં સ્નાયૂની ઈજા થતા તેને આરામ આપવામાં આવ્યો હતો. હવે બીજી વન-ડેમાં કોહલી રમશે કે તેમ તેની કોઈ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી નથી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. જસપ્રીત બુમરાહે મેચની બીજી જ ઓવરમાં ઓપનર જેસન રોયને ગોલ્ડન ડક સાથે બોલ્ડ કરી પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થતો હોવાથી બુમરાહે વધુ મહેનત કરવી પડી નહતી અને તેણે શિસ્તબદ્ધ બોલિંગ કરતા બાકીનું કામ બોલે કરી બતાવ્યું હતું.