રાજ્ય સરકારને આવક અપાવવામાં ટેક્ષ અને મહેસૂલ વિભાગ બાદ વાહનવ્યવહાર વિભાગ ત્રીજા નંબરનો વિભાગ છે. વાહનવ્યવહાર વિભાગની RTO/ARTO દ્વારા થતી કુલ આવકમાં ગત વર્ષની સરખામણીએ ૨૬%નો વધારો થયો છે. RTO/ARTO દ્વારા માસ એપ્રિલ-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૭માં થયેલ કુલ આવક રૂા.૨,૪૫,૪૦૧.૨૯ લાખ હતી જે માસ એપ્રિલ-૨૦૧૭ થી ફેબ્રુઆરી -૨૦૧૮માં વધીને રૂા.૩,૦૮,૯૩૭.૭૫ લાખ થઇ છે એમ વાહનવ્યવહાર મંત્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર વાહનવ્યવહાર વિભાગની RTO/ARTO દ્વારા થતી કુલ આવકમાં ગત વર્ષની સરખામણીએ ૨૧%નો વધારો થયો છે. RTO/ARTO અને ચેકપોસ્ટ દ્વારા માસ એપ્રિલ-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૭માં થયેલ કુલ આવક રૂા.૨૭૭૫૦૨.૪૨ લાખ હતી જે માસ એપ્રિલ-૨૦૧૭ થી ફેબ્રુઆરી-૨૦૧૮માં વધીને રૂા.૩૩૫૨૫૧.૪૯ લાખ થઇ છે.
ટેક્ષમાં થયેલ ફેરફાર એ આવક વૃદ્ધિનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન અસરકારક સુપરવિઝન અને મોનિટરીંગ દ્વારા પણ આવકમાં વધારો થયો છે. ઉપરાંત, વાહન ૪.૦નાં એન્ફોર્સમેન્ટ મોડ્યુલમાં પેન્ડીંગ ડી.એ.ની વિગતો દાખલ થવાના લીધે ડી.એ.ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વડી કચેરીની ફ્લાયિંગ સ્કવોર્ડ દ્વારા માસના શનિવાર તથા રવિવારનાં રોજ જિલ્લા સ્તરે ટીમ બનાવીને યોગ્ય ચેકીંગ કરી આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે. વાહન ૪.૦ના અમલીકરણ લીધે વાહનની વિગતો ગમે ત્યાં ગમે તે સમયે ઉપલબ્ધ રહેવાથી ટેક્ષ ડીફોલ્ટર, ફીટનેશ ડિફોલ્ટર, પરમીટ ડિફોલ્ટર ચેકીંગ દરમિયાન જાણી શકાય છે તેના લીધે આવકમાં વધારો થયેલ છે. વડી કચેરી દ્વારા દર ૨૪ કલાકે ચેકપોસ્ટની આવકની સમીક્ષા કરવામાં આવે છે જેના લીધે ચેકપોસ્ટની આવક વધી છે. ગયા વર્ષ દરમિયાન કુલ ૪૨ જેટલા નવા વાહનોની ખરીદી કરવામાં આવેલ જેના લીધે ચેકીંગની આવકમાં વધારો થયેલ છે, તેમ વધુમાં જણાવાયું છે.