સૂર્યકુમાર યાદવે તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારતાં ભારત માટે જોરદાર લડત આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ઇંગ્લેન્ડે રવિવારે અહીં રમાયેલી ત્રીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં ૨૧૫ રનનો વિશાળ સ્કોર ખડક્યા બાદ ભારત સામે ૧૭ રનથી વિજય હાંસલ કર્યો હતો. જોકે ભારતે ત્રણ મેચની સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. રવિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધા બાદ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૧૫ રનનો જંગી સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ભારતે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૯૮ રન કર્યા હતા. ૨૧૬ રનના ટારગેટ સામે રમતાં ભારતનો પ્રારંભ અગાઉની બે મેચ જેવો રહ્યો ન હતો. આ વખતે તેણે પાવર પ્લેમાં જ ત્રણ મોખરાની વિકેટો ગુમાવી દીધી હતી.
વિરાટ કોહલી ફરી એક વાર નિષ્ફળ રહ્યો હતો તો રોહિત શર્મા પણ તેના ભૂતપૂર્વ સુકાનીની માફક ૧૧ રન કરી શક્યો હતો જ્યારે રિશભ પંત માત્ર એક રન નોંધાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમ પ્રારંભિક આઘાતમાંથી ફરી બેઠી થઈ શકી ન હતી પરંતુ સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારીને ટીમને ટારગેટથી શક્ય તેટલી નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. પસંદગીકારોએ તેનામાં મૂકેલા ભરોસાને યથાર્થ ઠેરવીને સૂર્યકુમાર યાદવે ૫૫ બોલમાં છ સિક્સર સાથે ૧૧૭ રન ફટકાર્યા હતા. તેને શ્રેયસ ઐયરે થોડા સમય સુધી સાથ આપ્યો હતો. બંનેએ ટીમનો સ્કોર ૩૧થી ૧૫૦ સુધી પહોંચાડ્યો હતો. ૧૧૯ રનની ભાગીદારીમાં શ્રેયસનું યોગદાન ૨૮ રનનું રહ્યું હતું.
સિરીઝની અગાઉની બંને મેચમાં વેધક બોલિંગ કરીને ટીમને સફળતા અપાવનારા ભારતીય બોલર્સ રવિવારે વામણા પુરવાર થયા હતા. જોકે આ મેચમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો તેની પણ ભારતની બોલિંગમાં ખોટ પડી હતી. ઉમરાન મલિક અને આવેશ ખાને પ્રારંભમાં વિકેટો અપાવી હતી. તેમણે બંને ઓપનર જેસન રોય અને જોઝ બટલરને આઉટ કર્યા હતા. રોયે ૨૭ રન ફટકાર્યા હતા જ્યારે બટલર સળંગ ત્રીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે આ મેચમાં ૧૮ રન કરી શક્યો હતો. જોકે ડેવિડ મલાન એક છેડે જામી ગયો હતો. તેણે ભારતના પ્રમાણમાં નબળા પડી ગયેલા બોલિંગ આક્રમણનો લાભ ઉઠાવીને શાનદાર ૭૭ રન ફટકાર્યા હતા. હકીકતમાં ઇનિંગ્સનું મુખ્ય આકર્ષણ મલાનની બેટિંગ જ રહી હતી. માત્ર ૩૯ બોલની ઇનિંગ્સમાં તેણે ૧૯૭.૪૪ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને પાંચ સિક્સર અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. ૧૭મી ઓવરમાં મલાનને લેગસ્પિનર રવિ બિશ્નોઈએ આઉટ કર્યો ત્યાર બાદ ઇંલેન્ડના આક્રમણની જવાબદારી લિયમ લિવિંગસ્ટોને સંભાળી લીધી હતી. તેણે માત્ર ૨૯ બોલ રમીને ચાર સિક્સર સાથે અણનમ ૪૨ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત હેરી બ્રુક અને ક્રિસ જોર્ડને પણ મહત્વનું યોગદાન આપીને ઇંગ્લેન્ડને ૨૦૦થી વધુનો સ્કોર ખડકવામાં મદદ કરી હતી.
ભારતના મોટા ભાગના બોલર આજે ઇંગ્લેન્ડના આક્રમણ સામે લાચાર પુરવાર થયા હતા. ઇંગ્લેન્ડે પાવર પ્લેમાં જ ૫૦ રન પૂરા કરી નાખ્યા હતા. અગાઉની બંને મેચમાં તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ રવિવારે જોઝ બટલરે નવ બોલમાં ૧૮ અને જેસન રોયે ૨૬ બોલમાં ૨૭ રન ફટકારીને ટીમને ઝડપથી ૫૦ રન કરવામાં મદદ કરી હતી. ત્યાર બાદ મલાન અને લિવિંગસ્ટોને ૮૪ રનની ભાગીદારી નોંધાવીને ટીમને જંગી સ્કોર ખડકવામાં મદદ કરી હતી. ભારત માટે રવિ બિશ્નોઈ સફળ રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં ૭.૫૦ની સરેરાશથી રન આપ્યા હતા અને બે વિકેટ પણ ઝડપી હતી. તે સિવાયના તમામ બોલરે ઓવરદીઠ ૧૦થી વધારે રન આપ્યા હતા જોકે હર્ષલ પટેલે તેની ઇકોનોમી જાળવી રાખી હતી અને ચાર ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી.