રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદી-નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે. તેમજ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. રાજ્યના કેટલાય કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે મોરબીમાં પણ હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા મૃતદેહ લઈને અંતિમવિધી કરવા માટે નીકળેલા લોકો કલાકો સુધી ફસાયા હતા મોરબીના કુંતાસી ગામે રહેતા વર્ષાબેન અમરશીભાઈ ભાડજા નામની મહિલાને ગત રાત્રે ગંભીર હાલતમાં તેમના પરિવારજનો મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પણ સિવિલ હોસ્પિટલમાં જ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી આ મહિલાનો મૃતદેહ લઈને તેમના પરિવારજનો પરત કુંતાસી ગામે લઈ જતા હતા. પરંતુ ગતરાત્રે ભારે વરસાદને કારણે હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા પાણીના ફૂલ પ્રવાહને કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેમાં મહિલાના મૃતદેહ સાથે લોકો પણ કલાકો સુધી ફસાઈ ગયા હતા. બાદમાં ટ્રેક્ટર મારફતે મહિલાના મૃતદેહને તેમના વતન કુંતાસી ગામે પહોંચાડવામાં આવ્યો હતો અને અંતિમવિધિ કરવામાં આવી હતી.
મોરબી પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી મોરબીના હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગ્યા હતા. જેને પગલે હોસ્પિટલમાંથી મૃતદેહ લઈને ઘર આવી રહેલા લોકો કલાકો સુધી અટવાયા હતા. બાદમાં મૃતદેહને ટ્રેક્ટર મારફતે કુંતાસી પહોંચાડવામાં આવ્યો હતો જ્યા અંતિમવિધિ કરવામાં આવી હતી.