કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ હજાર ૬૭૮ નવા કેસ નોંધાયા છે. વળી, એક દિવસ દરમિયાન ૧૪ હજાર ૬૨૯ લોકો કોવિડ -૧૯થી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના ૧૮ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે ૪૦થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. જો કે, આજે કોરોનાના કેસ પણ થોડા દિવસોની સરખામણીએ ઓછા આવ્યા છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. હાલમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ૧,૩૦,૭૧૩ છે.
મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ મહામારીના ૦.૩૦ ટકાનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યામાં સક્રિય કેસ ૦.૩૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સક્રિય કેસની સંખ્યામાં ૩,૬૬૨નો વધારો નોંધાયો છે. હાલમાં દેશમાં કોરોના રિકવરી રેટ ૯૮.૫૦ ટકા નોંધાયો છે.
દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૬,૨૨,૬૫૧ થઈ ગઈ છે. વળી, કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૪૨૮ થઈ ગયો છે. કોરોનાના કુલ રિકવરી કેસની સંખ્યા ૪,૨૯,૮૩,૧૬૨ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક પૉઝિટિવિટી દર ૪.૨૨ ટકા નોંધવામાં આવ્યો છે. જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી દર ૪.૦૮ ટકા નોંધવામાં આવ્યો છે. હાલમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં ૧૯૮.૮૮ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો ૧,૯૮,૮૮,૭૭,૫૩૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં રસીના ૧૧ લાખ ૪૪ હજાર ૧૪૫ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૬.૬૮ કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૮,૨૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં ગયા અઠવાડિયે કોવિડ-૧૯ના ૧.૨ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીના મધ્ય પછીથી આ સૌથી વધુ કેસ છે. છેલ્લા બે અઠવાડિયામાં કેસોમાં માત્ર ૮% વધારો થયો છે. જે અગાઉ ૧૪% અને ૨૩% હતો. દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્રમાં ચેપ સતત ઘટી રહ્યો હતો અને કેરળમાં ઘટવાનુ શરુ થઈ ગયુ હતુ પરંતુ હવે આ રાજ્યોમાં પણ કેસ વધી રહ્યા છે.