બોલીવુડ એક્ટર અને દીપિક પાદુકોણના પતિ રણવીર સિંહે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સુપર લક્ઝુરિયસ ક્વાડ્રૂપ્લેક્સ (એપાર્ટમેન્ટના ચાર ફ્લોર) ખરીદ્યા છે. બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ સ્થિત સુપર પ્રીમિયમ રેસિડેન્શિયલ ટાવર સાગર રેશમ એપાર્ટમેન્ટમાં રણવીર સિંહે ચાર ફ્લોર ખરીદી લીધા છે. તમને જણાવી દઈએ કે, આ એપાર્ટમેન્ટથી દરિયાકિનારાનો નજારો જોવા મળે છે.
રણવીર સિંહે ૧૧૯ કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે અને ભારતમાં કોઈપણ સિંગલ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ માટેની સૌથી મોંઘી ડીલ છે. અહીં બીજી રસપ્રદ વાત એ છે કે, સી-ફેસિંગ હોવા ઉપરાંત આ એપાર્ટમેન્ટ સલમાન ખાનના ઘર ગેલેક્સી અને શાહરૂખ ખાનના બંગલો મન્નતની એક જ લાઈનમાં છે. આમ રણવીર સિંહ હવે શાહરૂખ અને સલમાનનો પાડોશી પણ બની ગયો છે. ટાવરના ૧૬મા, ૧૭મા, ૧૮મા અને ૧૯મા માળે ફેલાયેલા આ એપાર્ટમેન્ટમાં કુલ ૧૧,૨૬૬ સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા અને ૧,૩૦૦ સ્ક્વેર ફૂટની એક્સક્લુઝિવ ટેરેસ છે. આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા પ્રોપર્ટીના રેટ્સને કારણે આ ડીલનું મૂલ્ય પ્રતિ સ્ક્વેર ફૂટ ૧ લાખ રૂપિયાથી વધુ છે. રણવીર સિંહે ઓહ ફાઈવ ઓહ મીડિયા વર્ક્સ એલએલપી નામની ફર્મ દ્વારા આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેમાં સિંહ અને તેના પિતા જુગજીત સુંદર સિંહ ભવનાની ડિરેક્ટર છે. બે અલગ-અલગ એગરીમેન્ટ દ્વારા પૂર્ણ થયેલાં ટ્રાન્જેક્શન માટે ફર્મ દ્વારા કુલ રૂ. ૭.૧૩ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે.
Indextap.com દ્વારા એક્સેસ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે, રણવીર સિંહ અને સેલર Enorm Nagpal Realty LLP વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટેના એગ્રીમેન્ટ શુક્રવાર ૮ જુલાઈના રોજ નોંધાયા હતા. ડીલના ભાગરૂપે સિંહને બિલ્ડિંગમાં કુલ ૧૯ કાર પાર્કિંગ સ્લોટમાં એક્સક્લુઝિવ એક્સેસ મળશે. રણવીર સિંહએ ૨૦૧૦માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદથી તે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનારો અને વ્યસ્ત કલાકારોમાંનો એક છે. મુંબઈ દેશનું સૌથી મોટું અને સૌથી મોંઘું રિયલ એસ્ટેટ માર્કેટ છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૦માં લિમિટેડ વિન્ડો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના ર્નિણયને કારણે પ્રોપર્ટી ટ્રાન્જેક્શનમાં નવા બેન્ચમાર્ક બની રહ્યા છે. હાલમાં જ ઈનોક્સ ગ્રૂપના પ્રમોટર ફેમિલી સિદ્ધાર્થ જૈન દ્વારા વર્લી વિસ્તારમાં ડૉ.એની બેસંત રોડ પર ૧૪૪ કરોડ રૂપિયામાં સી-ફેસિંગ સુપર પ્રીમિયમ રેસિડેન્શિયલ ક્વાડ્રૂપ્લેક્સ ખરીદવામાં આવ્યા હતા.