અમદાવાદમાં ગણતરીના કલાકોમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સૌથી વધુ પાલડીમાં ૧૮ ઈંચ, ઉસ્માનપુરામાં ૧૪ ઈંચ, બોડકદેવમાં ૧૨ ઈંચ વરસાદ થયો છે, જ્યારે શહેરના ૬ વિસ્તારો એવા છે કે જ્યાં ૧૦ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં બારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વેજલપુર, શ્યામલ, વાસણા, ગુપ્તાનગર, ખોખરા જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. આવામાં ભોંયરામાં આવેલી શ્યામલ અને વેજલપુર વિસ્તારની તથા ગુપ્તાનગરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પોતાને થયેલા ભારે નુકસાનના લીધે હવે છસ્ઝ્રની પ્રી-મોન્સુનની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિકો સવાલ ઉભા કરી રહ્યા છે.
શહેરના ઘણાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદ આવતા પહેલા શહેરમાં રસ્તાઓ, પાણીનો નીકાલ, નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાય તો શું કરવું તે અંગે મોટા ર્નિણયો લેવામાં આવતા હોય છે. પરંતુ આ ર્નિણયો બાદ જ્યારે તોફાની વરસાદ થાય અને પાણી ભરાયા ત્યારે અધિકારીઓ અને મોટા ર્નિણયો લેનારા કર્મચારીઓ ક્યાંય શોધ્યે મળતા નથી જેવી સ્થિતિ સર્જાતી હોય છે તેવા આક્ષેપ ભારે વરસાદના લીધે નુકસાન વેઠી રહેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિએ લોકોને પરેશાન કર્યા છે. શહેરના શ્યામલ વિસ્તાર અને વેજલપુર સહિત અન્ય નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ભોંયરામાં દુકાનો આવેલી છે ત્યાં વેપારીઓ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે. પહેલા કોરોનાના કારણે અને હવે વરસાદના કારણે ભારે નુકસાન થતા વેપારીઓ વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે. શહેરના શ્યામલ અને વેજલપુરની ઢગલાબંધ દુકાનો આખી ડૂબી ગઈ છે અને ભારે વરસાદ પડે તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી શકે છે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ગઈકાલે મોડી સાંજે વરસાદ તૂટી પડ્યા પછી મોડી રાત્રે પણ ભારે વરસાદ થતા લોકોની હાલત કફોડી બની છે. ઘણાં વિસ્તારોમાં કલાકો વિત્યા પછી પણ વરસાદી પાણી રસ્તાઓ અને દુકાનોમાંથી ઓસરતા ના હોવાથી તેમને મોટું આર્થિક નુકસાન થવાની ભીતી છે. શહેરના ઘણાં વિસ્તારોમાં શોપિંગ કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી કાર પણ આખી ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે. શહેરના ઈસનપુર સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ કોર્પોરેશનની જવાબદારી છે કે વરસાદ પહેલા તેમણે નાની-નાની સોસાયટીઓનું ધ્યાન રાખવું જોઈએ અને વરસાદ પહેલા પાણી ના ભરાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવા જોઈએ. ભારે વરસાદ અને હવે પાણીનો ભરાવો થતા સ્થાનિકો દ્વારા બીમારી ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.