શહેરમાં લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં મંગળવારથી સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં ૧.૩૩ ઈંચ સાથે મોસમનો માત્ર ૪.૨૭ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર ૭.૩૯ ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે ૩ જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં ૫.૩૧ ઈંચ સાથે મોસમનો ૧૬ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે અમદાવાદ જિલ્લામાં ૪ ઈંચ સાથે મોસમનો ૧૪ ટકા જેટલો વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.
આમ ગત વર્ષની સરખામણીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આગામી પાંચ દિવસમાં ભાવનગર, બોટાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારના વરસાદને જોઇએ તો ભાવનગર શહેરમાં બપોરના સમયે ૪૫ મિનિટમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો પણ નજીકના પાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઇ વરસતા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. સિહોર, ગારિયાધાર અને ઘોઘા પંથકમાં પણ હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.