મહારાષ્ટ્ર રાજ્યમાં રાજકીય સંકટ પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. કંગના ભાજપની સમર્થક રહી છે અને અવારનવાર ભાજપ અને પીએમ મોદીના વખાણ કરે છે. કંગનાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે તેજસમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભારતીય વાયુસેનાની ઓફિસર બની છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. હાલમાં તે ઇમરજન્સી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.ફિલ્મ અભિનેત્રી કંગના રનોત અને ઉદ્ધવ સરકાર વચ્ચેનો સંબંધ કંઈ ખાસ રહ્યો નથી. જે રીતે ઉદ્ધવ સરકારે કંગના રનોતની ઓફિસ પર બુલડોઝર લગાવ્યુ તે પછી કંગનાએ ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
હવે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારે કંગના રનોતે તેમને અભિનંદન પાઠવ્યા છે. કંગના રનોતે એકનાથ શિંદે જે રીતે જમીન પરથી ઉભા થઈને રાજ્યના મુખ્યમંત્રી પદને સંભાળ્યું તેની પ્રશંસા કરી છે.
એકનાથ શિંદે પહેલા ઓટો રિક્ષા ચલાવતા હતા. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એકનાથ શિંદેની તસવીર શેર કરી અને લખ્યુ, ‘કેટલી અદ્ભુત પ્રેરણાત્મક સફળતાની કહાની છે. જીવનનિર્વાહ માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઈને દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, અભિનંદન સાહેબ.’ કંગના રનોત સમયાંતરે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કરતી હતી. અનેક પ્રસંગોએ તેણે ઉદ્ધવ સરકારના ર્નિણયોની ટીકા પણ કરી હતી. હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ કંગનાએ કહ્યુ હતુ કે ૨૦૨૦માં મે કહ્યુ હતુ કે લોકશાહીમાં આસ્થા ટકે છે. જેણે આ વિશ્વાસ તોડ્યો છે તે માત્ર લોભ માટે જ ખતમ થઈ જશે. અહંકારનો અંત આવશે. હાલમાં જ મહારાષ્ટ્રના રાજકીય સંકટ દરમિયાન કંગના રનોતની મુંબઈમાં બનેલી નવી ઓફિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કંગનાએ કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે તમને શું લાગે છે, તમે મારાથી બદલો લીધો છે, મારુ ઘર તોડીને તમે ફિલ્મી દુનિયાના માફિયાઓને ખુશ કરવા આ કર્યુ છે. આજે મારુ ઘર તૂટ્યુ છે, કાલે તમારુ અભિમાન તૂટશે, એ તો બસ સમયની વાત છે, યાદ રાખજો.