બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન વાપસી સાથે જ આગામી ફિલ્મ ‘પઠાન’, ‘ડંકી’ અને ‘જવાન’ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. આવામાં કિંગ ખાનની ફિલ્મ્સના ડિજિટલ રાઇટ્સ ખરીદવા માટે ઓટીટી પ્લેટફોર્મ્સ વચ્ચે હોડ લાગી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ‘પઠાન’ માટે એમેઝોન પ્રાઇમ વીડિયો અને ‘જવાન’ માટે નેટફ્લિક્સ માંગી કિંમત આપવા તૈયાર છે. શાહરૂખ ખાન ફરી એક વખત પોતાની આગામી ફિલ્મ્સ દ્વારા પોતાનો જાદૂ વિખેરવા તૈયાર છે. ૩૦ વર્ષના ફિલ્મી કરિયરમાં કિંગ ખાને અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી, પરંતુ ફિલ્મ ‘ઝીરો’એ તેની સફળ કારકિર્દી પર બ્રેક મારી દીધી. આ ફિલ્મ તેના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ સાબિત થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ તેણે એક્ટિંગની દુનિયામાંથી બ્રેક લીધો હતો અને આવી રીતે લગભગ પાંચ વર્ષ બાદ તે ફરી જબરદસ્ત કમબેક માટે તૈયાર છે.
શાહરૂખ ખાનની ફિલ્મ્સના ડિજિટલ રાઇટ્સ ખરીદવા માટે ઓટીટી પ્લેટફોર્મ્સ કરોડોનો દાવ લગાવી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ્સ ઓનર્સ અને મેકર્સ વચ્ચે જબરદસ્ત ડીલ થઇ રહી છે. રિપોર્ટનું માનીએ તો એમેઝોન અને મેકર્સ વચ્ચે ‘પઠાન’ ફિલ્મના રાઇટ્સ માાટે ૧૫૦ કરોડમાં ડીલ થઇ છે. ઉપરાંત નેટફ્લિક્સે ફિલ્મ ‘જવાન’ માટે ૧૭૦ અને ‘ડંકી’ માટે ૧૫૦ કરોડ આપવા તૈયાર છે. કહેવાઇ રહ્યું છે કે સિનેમાઘરોમાં રિલીઝ બાદ આ ત્રણેય ફિલ્મ્સ નેટફ્લિક્સ અને એમેઝોન પર જોઇ શકાશે. ફિલ્મ ‘પઠાન’માં શાહરૂખ ખાનનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. હાલમાં જ કિંગ ખાને તેનો મોશન પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. લોકોને કિંગ ખાનનો જબરદસ્ત લુક પસંદ પડ્યો હતો. પોસ્ટર જોયા બાદ દર્શકો ઉત્સાહી છે. ફિલ્મમાં શાહરૂખ એક વખત ફરી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ બન્ને ઉપરાંત જ્હોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ છે. કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં સલમાન ખાન સ્પેશિયલ કેમિયો કરશે.