વિએતજેટે નવી દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગ્લોરથી વિએતનામના પ્રખ્યાત તટવર્તીય શહેર દા નંગને જોડતાં પાંચ નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સની જાહેરાત કરી છે. નવી સેવાઓ પ્રતિ સપ્તાહ ચાર થી સાત રિટર્ન ફ્લાઇટ્સ સાથે 2022ના ત્રીજા ત્રીમાસિક ગાળામાં કાર્યન્વિત થશે.
તાજેતરમાં વિએતનામના પ્રધાનમંત્રી પામ મિન ચિનની ઉપસ્થિતિમાં દા નાંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ 2022 ખાતે આ જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન દા નાંગ શહેરને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા વિએતજેટે દા નાંગના પ્રવાસન ચિહ્નની તેના વિમાનોના કાફલા ઉપર સ્થાન આપવાની જાહેરાત પણ કરી હતી.
વિએતજેટના વાઇસ પ્રેસિડન્ટ ગુયેન થાન શાને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દા નાંગ વિએતનામના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળો પૈકીનું એક છે. વિએતજેટે દા નાંગ તરફ અને ત્યાંથી બહારની તરફ 22 મિલિયન મુસાફરોનું પરિવહન કર્યું છે અને અત્યારે દા નાંગ તરફ અને ત્યાથી બહારની તરફ 8 પ્રાદેશિક અને 5 આંતરરાષ્ટ્રીય રૂટ્સ સંચાલિત કરે છે. વિએતજેટનું માનવું છે આજે જાહેર કરાયેલા નવા રૂટ્સ દા નાંગ અને અન્ય વિએતનામના શહેરો તથા પ્રાદેશિક સ્થાનોની વચ્ચે વધારે તકોનું સર્જન કરવા, આર્થિક ગતિવિધી, વેપાર અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.”
વિએતનામના “સેન્ટ્રલ હેરિટેજ રોડ” સહિત દા નાંગ સાથે અનેક સકારાત્મક પ્રવૃતિઓ અને જોડાણો સાથે, વિએતજેટે સતત વધુ રૂટ્સ શરૂ કર્યા છે, વૈવિધ્યપૂર્ણ ફ્લાઇટ શેડ્યૂલ સાથે વધારે ફ્લાઇટ વિકલ્પો ઉપલબ્ધ કરાવી રહી છે અને તેના નવા અને આધૂનિક વિમાનોના બેડા સાથે મુસાફરો માટે વધુ આનંદદાયક અનુભવ પૂરો પાડી રહી છે.
વિએતજેટ હાલમાં નવી દિલ્હી/મુંબઇ – હનોઇ અને નવી દિલ્હી/મુંબઇ – હો ચી મિન શહેર સહિત વિએતનામ અને ભારત વચ્ચે ચાર સેવાઓનું સંચાલન કરે છે. તે સપ્ટેમ્બર 2022માં ટાપુના શહેર પુ ક્વોક સાથે નવી દિલ્હી અને મુંબઇને જોડતા વધુ બે રૂટ્સ શરૂ કરશે. વિએતજેટની વેબસાઇટ ઉપર અત્યારે એક તરફી 18 અમેરિકન ડોલર (કરવેરા અને ફી રહિત)થી શરૂ થતાં ભાડાં પર ટિકિટ્સ ખરીદી શકાય છે.
દા નાંગ પોતાના સુપ્રખ્યાત સ્થાનો ગોલ્ડન બ્રિજ અને ડ્રેગન બ્રિજના કારણે સેન્ટ્રલ વિએતનામમાં વિશ્વ પ્રખ્યાત તટીય શહેર છે. તે હવે આધુનિક આર્કિટેક્ચરના શહેર તરીકે પણ ઓળખાય છે અને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત આ શહેરને હોઇ એનના પૌરાણિક નગર, હૂઇ શહેરમાં પૂર્વ સમ્રાટના કિલ્લા અને જોવાલાયક ગુફાઓના ગઢ ક્વાંગ બિંન સહિત આસપાસના પ્રવાસન સ્થાનોનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે.
વિએતનામે કોવિડ-19 સંબંધિત આગમન નિયંત્રણો ઉઠાવી લીધા છે અને પ્રવાસીઓ વિએતનામમાં મહામારી પહેલાની સંપૂર્ણ પૂર્વવત સ્થિતિ મુજબ આગમનનો આનંદ માણી શકે છે. S – આકારનો દેશ મુલાકત લઇ રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર છે, જે અહીંના રમણીય દૃશ્યોનો મન ભરીને આનંદ ઉઠાવી શકે છે.