દેશના નેશનલ હાઈવે પર હવે લાંબી લાંબી લાઈનો લગાવવાની જરૂર નહીં પડે. તમારે હવે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે ૫ કિમીના અંતરમાં તમારે પૂરેપૂરો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ટૂંક સમયમાં જ રાજસ્થાનથી નીકળતા હાઈવે હાઈટેક થવાના છે. તેના પર ટૂંક સમયમાં ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રિડર) સિસ્ટમ લાગુ થવાની છે. હકિકતમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ નવો કન્સેપ્ટ લાવવાનું વિચારી રહ્યું છે. રાજસ્થાનમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક એવો ગ્રીન ફિલ્ડ એસ્કપ્રેસ બનાવવાનો છે જ્યાં એક પણ ટોલનાકુ બનાવાશે નહીં. આ સિસ્ટમનો સૌથી વધારે ફાયદો એ થશે કે વ્હિકલના માલિકે તેટલા જ રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે જેટલા કિલોમીટર તે હાઈવે પર ગાડી ચલાવશે. તેની શરૂઆત રાજસ્થાનથી પસાર થતા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ- વેથી થશે.
પંજાબના અમૃતસરથી શરૂ થઈને ગુજરાતના જામનગર સુધી બની રહ્યો છે ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે રાજસ્થાન સાથે પણ જોડાશે. તેની કનેક્ટિવિટી પંજાબ, હરિયાણા અને અરબ સાગરના પોર્ટ સુધી રહેશે. ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવતા આ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેની રાજસ્થાનમાં કુલ લંબાઈ ૬૩૭ કિમી છે. જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૧,૨૨૪ કિમીની છે. આ પ્રોજેક્ટના પૂરા થયા પછી આ રાજસ્થાનનો સૌથી મોટો ડેડિકેટેડ એક્સપ્રેસ-વે બની જશે. ખાસ વાત એ છે કે, આ એક્સપ્રેસ-વે પર કર્વ અને ટર્ન ઓછા હશે. હાલના સમયે ૬ લેન વાળા પ્રોજેક્ટનું રાજસ્થાનમાં ૬૪% (૪૦૭કિમીનું) કામ પૂરુ થઈ ગયું છે. આ આખા પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૪,૭૦૭ કરોડ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.