ભારતના પ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટીમાં નવા રિયાલ્ટી હોટસ્પોટ તરીકે ઉભરવા માટે સજ્જ છે. ગિફ્ટ સિટીમાં ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ તેમની ઉપસ્થિતિ સ્થાપી રહી છે અને આગામી સમયમાં ઘણી કંપનીઓના આગમનની સંભાવનાઓ વચ્ચે રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગિફ્ટ સિટીમાં ઘણાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની યોજના બનાવી રહ્યાં છે.
તેનું નેતૃત્વ કરતાં શિવાલિક પ્રોજેક્ટ્સ ગિફ્ટ સિટીમાં બે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સના નિર્માણની યોજના ધરાવે છે, જે બાદ બે કમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ સામેલ છે. પ્રથમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું કામ શરૂ પણ થઇ ગયું છે.
શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગિફ્ટ સિટી રોકાણના આકર્ષક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને અહીં અગ્રણી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ તેની ઉપસ્થિતિ ધરાવે છે. અમારું માનવું છે કે ગિફ્ટ સિટી વર્ષ 2022 અને ત્યારબાદના વર્ષોમાં જબરદસ્ત પ્રતિસાદ મેળવશે તેમજ ઘણી બીજી ફાઇનાન્સિયલ કંપનીઓ તેમાં પોતાની કામગીરી શરૂ કરશે. એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે શિવાલિક ગુજરાત અને ગિફ્ટ સિટીની વૃદ્ધિમાં હિસ્સો બનવા માટે કટીબદ્ધ છે અને ગિફ્ટ સિટીમાં વિવિધ પ્રોજેક્ટ ઉપર કામ પણ કરી રહ્યું છે.”
ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે અને તે પસંદગીના ફાઇનાન્સિયલ અને આઇટી સર્વિસિસ કેન્દ્ર તરીકે ઝડપથી વૃદ્ધિ સાધી રહ્યું છે. આગામી વર્ષોમાં દુબઇ, હોંગ કોંગ અને સિંગાપોર જેવાં વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સાથે પણ સ્પર્ધા કરશે. ગિફ્ટ સિટીએ થોડાં જ વર્ષોમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો, વીમા કંપનીઓ, ફાઇનાન્સિયલ કંપનીઓ, સ્ટોક એક્સચેન્જીસ અને બ્રોકિંગને આકર્ષ્યાં છે, જેના પરિણામે ગિફ્ટ સિટીની અંદર અને આસપાસ રિયલ એસ્ટેટની માગને વેગ મળ્યો છે.
તરલ શાહે ઉમેર્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં 12,000થી વધુ લોકો કામ કરી રહ્યાં છે, તેના કેમ્પસની અંદર ખૂબજ ઓછા રેસિડેન્શિયલ યુનિટ્સ હોવાથી તેઓ ગિફ્ટ સિટીની બહાર રહે છે. માત્ર 500 જેટલાં ઘરોનું બાંધકામ ચાલી રહ્યું છે, જેનો મતલબ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટે અપાર સંભાવનાઓ છે. ગિફ્ટ સિટીમાં દેશ અને ગુજરાતના અગ્રણી ડેવલપર્સ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યાં છે ત્યારે મને વિશ્વાસ છે કે તેઓ એક નવા સ્તરે હશે.”
અમદાવાદ એરપોર્ટની નજીક હોવાને કારણે ગિફ્ટ સિટીને લોકેશનનો પણ વિશિષ્ટ લાભ છે, જે સાથે મેટ્રો પ્રોજેક્ટ્સથી પણ કનેક્ટિવિટી વધશે. વધુમાં ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટનો આગામી તબક્કો પણ તેનું આકર્ષણ વધારશે.
શિવાલિક ગ્રૂપ અમદાવાદમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને તે ઘણાં રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઓફિસ સ્પેસ અને કો-વર્કિંગ સ્પેસ વિકસાવી રહ્યું છે.