લંડનમાં સીવેજના નમૂનાઓમાં પોલિયોવાયરસ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, વેક્સીનથી પ્રાપ્ત એક પ્રકારનો પોલિયો વાયરસ મળી આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
યુકેમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લગભગ બે દાયકા પહેલા યુકેમાંથી પોલિયોની બીમારી ખતમ થઈ ગઈ હતી. ત્યાર બાદ માનવીમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. WHOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રિટનની રાજધાની લંડનમાં સીવેજના નમૂનામાં “પોલિયોવાયરસ ટાઇપ -૨ મળી આવ્યો છે.
ડબ્લ્યુએચઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, “વાયરસ ફક્ત પર્યાવરણીય નમૂનાથી અલગ કરવામાં આવ્યો છે.” વધુમાં કહેવામાં આવ્યું છે કે, “તાજેતરના ભૂતકાળમાં લકવાના કોઈ સંબંધિત કેસ મળી આવ્યા નથી.” પોલિયોવાઇરસનો કોઈપણ પ્રકાર ગમે ત્યાં બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.” જણાવી દઈએ કે, હાલના વર્ષોમાં વૈશ્વિક સ્તર પર પોલિયોને નાબૂદ કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૧૯૮૮થી અત્યાર સુધીમાં પોલિયોના કેસમાં ૯૯ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ૧૨૫ દેશોમાં પોલિયો ફાટી નીકળ્યો હતો અને વિશ્વભરમાં ૩૫૦,૦૦૦ કેસ નોંધાયા હતા. પોલિયોવાયરસનો ખતરનાક વેરિએન્ટ હવે માત્ર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જ હાજર છે. ૨૦૦૩માં યુકેને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અહીં કોઇ નવા કેસ સામે આવ્યા નથી. જોકે પોલિયો સહિત અન્ય ખતરનાક બીમારીઓ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી છે.
બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ આ જ ક્રમમાં ફેબ્રુઆરી અને મે મહિનામાં સુએજ વેસ્ટવોટરના સેમ્પલ લીધા હતા. તપાસ દરમિયાન આ વાયરસ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઓરલ પોલિયો રસી (ઓપીવી) આંતરડામાં પ્રતિકૃતિઓ બનાવે છે અને ફેકલ-દૂષિત પાણી દ્વારા સરળતાથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાઇ શકે છે. આનો અર્થ એ છે કે, જે બાળકને રસી આપવામાં આવી છે તેને વાયરસથી કોઈ નુકસાન નહીં થાય. પરંતુ જ્યાં ગંદકી છે અને રસીકરણની સંખ્યા ઓછી છે ત્યાં તેની ખરાબ અસર જોવા મળી શકે છે. પોલિયો નાબૂદી નિષ્ણાંત કેથલીન ઓ’રેઈલીએ બુધવારે ચેતવણી આપી હતી કે, લંડનના ગટરના નમૂનાઓમાં મળી આવેલી શોધ સૂચવે છે કે “પોલિયોવાયરસનો સ્થાનિક ફેલાવો થઈ શકે છે, સંભવતઃ એવી વ્યક્તિઓમાં કે જેમને પોલિયો સામે રસી આપવામાં આવી નથી.” “આ વાયરસના વધુ ફેલાવાને રોકવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે, નાના બાળકો માટેના રસીકરણના ઇતિહાસની તપાસ કરવી. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે, લંડનમાં પોલિયો રસીકરણનું કવરેજ આશરે ૮૭ ટકા છે.