નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણીના પડઘા દેશ સહિત વિદેશમાં પડ્યા છે. ઘણા દેશોએ ભાજપની પૂર્વ પ્રવક્તાની વિવાદિત ટિપ્પણીનો વિરોધ નોંધાવ્યો હતો. હવે ભાજપે પોતાના પ્રવક્તાઓને ભડકાઉ નિવેદન ન આપવાની ચેતવણી આપી છે. પાર્ટીએ નેતાઓને સોશિયલ મીડિયા પર પણ પાર્ટીના સ્ટેન્ડ પ્રમાણે પ્રતિક્રિયા આપવાનું કહ્યું છે.
ભાજપનું માનવું છે કે વિવાદિત નિવેદનને કારણે પાર્ટી અને સરકારના વિકાસના મુદ્દા પર અસર પડે છે. ભાજપે પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર પોતાના બે પ્રવક્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ વિવાદિત ટિપ્પણી બાદ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. તોદિલ્હીના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદલને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે. ભાજપના એક નેતાએ કહ્યું કે પાર્ટી મોદી સરકારના આઠ વર્ષની સિદ્ધિઓ લઈને લોકો વચ્ચે જઈ રહી છે પરંતુ કેટલાક નેતાના વિવાદિત નિવેદનને કારણે આ બધા કાર્યક્રમો પર અસર પડે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પણ ઘણીવાર કહી ચુક્યા છે કે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ લોકોના કામ કરવા અને વિકાસના મુદ્દે ધ્યાન આપવું જોઈએ. નેતાઓ અને કાર્યકર્તાઓને સંદેશ આપવા માટે આ પગલા ભરવા જરૂરી હતી. બધા નેતાઓએ વિવાદિત નિવેદનથી દૂર રહી સરકારના વિકાસના મુદ્દાની વાત કરવાની છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પ્રમાણે બધા પ્રવક્તાઓને કહેવામાં આવ્યું છે કે તે સંભાળીને બોલે અને તેવી કોમેન્ટથી બચે જે પાર્ટીના સ્ટેન્ડ વિરુદ્ધ છે. ટીવી ડિબેટમાં તેવા પ્રવક્તાઓને મોકલવાનું કહેવામાં આવ્યું છે જે સમજી વિચારીને બોલે છે. તો જલદી વિવાદિત નિવેદન આપવા ટેવાયેલા નેતાઓને હાલ મૌન રહેવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે દિલ્હી ભાજપના નેતાઓને તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી દૂર રહે સાથે જ્ઞાનવાપી પર કોઈ નિવેદન આપવાની જરૂર નથી. તો નેતાઓને સોશિયલ મીડિયા પર કોઈ કોમેન્ટ ન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું કે તે માત્ર દિલ્હી સાથે જોડાયેલા મુદ્દા પર ધ્યાન આપે અને તેના પર કોમેન્ટ કરે.