કોરોનામાં અનાથ બનેલા બાળકોને દર મહિને ૪ હજાર અપાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ બાળકો માટે લાભ જાહેર કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ તમારા પરિવારના એક સભ્ય તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું. આજે બાળકોની વચ્ચે આવીને મને ખુબ શાંતિ મળી છે. પીએમ મોદીએ કહ્યું કે હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે તમના જીવનમાં આવેલો આ ફેરફાર કેટલો કપરો છે.
જીવન આપણને અનેકવાર અણધાર્યા વળાંક પર લાવીને ઊભા કરી દે છે. ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી પરિસ્થિતિઓનો સામનો કરાવે છે, હસતાં હસતાં અચાનક અંધારું છવાઈ જાય છે. કોરોનાએ અનેક લોકોના જીવનમાં, અનેક પરિવારની સાથે કઈંક આવું જ કર્યું છે. જે જતા રહે છે તેમની આપણી પાસે બસ ગણતરીની યાદો રહી જાય છે પરંતુ જે રહી જાય છે તેમની સામે પડકારોનો ખડકલો થઈ જાય છે.
આવા પડકારોમાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્સ તમારા જેવા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઓછી કરવાનો એક નાનકડો પ્રયત્ન છે. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ વાતનું પણ પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી પૂરી સંવેદનશીલતાથી તમારી સાથે છે. મને સંતોષ છે કે બાળકોના સારા અભ્યાસ માટે તેમના ઘરની પાસે જ સરકારી કે પ્રાઈવેટ શાળાઓમાં તેમનો પ્રવેશ થઈ ચૂક્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જે કોઈને પ્રોફેશનલ કોર્સ માટે, હાયર એજ્યુકેશન માટે લોન જાેઈએ તો તેમને પણ પીએમ કેર્સ તેમાં મદદરૂપ થશે. રોજબરોજની બીજી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓના માધ્યમથી તેમના માટે મહિને ૪૦૦૦ રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે. આવા બાળકો જ્યારે શાળાનો અભ્યાસ પૂરો કરશે તો તેમના આગળના ભવિષ્યના સપના માટે પણ પૈસાની જરૂર પડશે. આ માટે ૧૮-૨૩ વર્ષના યુવાઓને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. જ્યારે તેઓ ૨૩ વર્ષના થશે ત્યારે ૧૦ લાખ રૂપિયા એક સાથે મળશે.
એક વધુ મોટી ચિંતા સ્વાસ્થ્ય સંલગ્ન પણ રહેતી હોય છે. ક્યારેક કોઈ બીમારી આવી ગઈ તો સારવાર માટે પૈસા પણ જાેઈએ. પરંતુ કોઈ પણ બાળકે હવે તે માટે પરેશાન થવાની જરૂર નથી. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના માધ્યમથી બાળકોને આયુષ્યમાન હેલ્થ કાર્ડ પણ અપાઈ રહ્યા છે. તેનાથી ૫ લાખ રૂપિયા સુધીની સારવાર પણ વિના મૂલ્યે બાળકોને મળશે. પીએમએ કહ્યું કે કોરોના મહામારીની આંચ સમગ્ર માનવતાએ સહન કરી છે.
દુનિયાનો ભાગ્યે જ કોઈ એવો ખૂણો હશે જ્યાં સદીની સૌથી મોટી ત્રાસદીએ ક્યારેય ન ભૂલી શકાય તેવો જખ્મ ન આપ્યો હોય. તમે જે સાહસ અને જુસ્સાથી આ સંકટનો સામનો કર્યો છે તે બદલ હું તમને બધાને નમન કરું છું. તેમણે કહ્યું કે પીએમ કેર્સ દ્વારા દેશ પોતાની આ જવાબદારીને નિભાવવાની કોશિશ કરી રહ્યો છે. આ પ્રયત્ન કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકાર માત્રનો પ્રયત્ન નથી. પીએમ કેર્સમાં આપણા કરોડો દેશવાસીઓએ પોતાની મહેનત અને પરસેવાની કમાણીને જાેડી છે.
હું જાણું છું કે કોઈ પણ પ્રયત્ન અને સહયોગ તમારા માતા પિતાના સ્નેહની ભરપાઈ કરી શકશે નહીં. પરંતુ માતા પિતા ન હોવાની આ સંકટની ઘડીમાં માતા ભારતી તમારી સાથે છે. દેશની સંવેદનાઓ તમારી સાથે છે અને આ સાથે જ તમારા સપનાઓને પૂરા કરવા માટે સમગ્ર દેશ તમારી સાથે છે.