બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર સેલિબ્રિટીઓ દ્વારા ડ્રગ્સ લેવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ગત વર્ષે બોલીવુડના ચકચારી ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જાે કે, આ કથિત ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના પુત્રને મોટી રાહત મળી છે. એનસીબી દ્વારા આર્યન ખાનને આ મામલે ક્લિન ચીટ આપવામાં આવી છે. એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાન વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.
તો બીજી તરફ એનસીબીની ચાર્જશીટમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અનન્યા પાંડે દ્વારા એનસીબીને જણાવવામાં આવ્યું છે કે, આર્યન ખાન અને તેના વચ્ચે થયેલી મોબાઈલ ચેટ પર ‘Weed ખરીદવા’ ની વાત માત્ર મજાક હતી. એનસીબીની ચાર્જશીટમાં અન્ય આરોપીઓ સાથે મળીને આર્યન ખાને કાવતરું ઘડ્યું હોવાનું પણ સાબિત થયું નથી.
તો બીજી તરફ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્યન ખાને એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે weed ખરીદવાના સંબંધમાં પોતાની વાતચીતની વાત પણ સ્વીકારી હતી, પરંતુ અનન્યા પાંડેએ આ ચેટને માત્ર મજાક ગણાવી છે. અનન્યાએ કહ્યું કે આર્યન ખોટું બોલી રહ્યો છે અને તે સંપૂર્ણ રીતે અજાણ છે. એનસીબી દ્વારા દરોડા પાડી કથિત ડ્રગ્સ જપ્ત કરવાની સાથે ૨૦ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારે એનસીબી દ્વારા શુક્રવારે મુંબઇની એક કોર્ટમાં ૨૦ માંથી ૧૪ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે દરમિયાન કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે, પુરાવાના અભાવમાં આર્યન ખાન સહિત છ લોકોના નામ ચાર્જશીટમાં નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગત વર્ષે ૨ આક્ટોબરના બાતમીના આધારે દરોડા પાડી આર્યન ખાન સહિત ૮ લોકોની અટકાયક કરવામાં આવી હતી.
જેના બીજા દિવસે આ તમામ લોકોની ડ્રગ્સ કનેક્શન સાથે ધરપકડ કરવામાં આવી હતી. જાે કે, આ તમામ લોકોને જામીન મળી જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા. ત્યારે આ કેસનો એક આરોપી હાલ જેમાં છે અને આ કેસમાં કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને ૨૮ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.