જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી સર્વે કેસમાં પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી સિવિલ કોર્ટમાં પોતાનો બે દિવસનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ રજૂ કરેલા બે પાનાના રિપોર્ટમાં ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ બે દિવસનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં શેષનાગની બનેલી શિલાપટનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદની ઉત્તરથી પશ્ચિમ તરફ જતી વખતે દિવાલોની વચ્ચે આ શિલાપટ બનેલો છે, જે શેષનાગનો આકાર ધરાવે છે. આ સિવાય પણ ઘણી જગ્યાએ દેવી-દેવતાઓની આકૃતિઓ મળી આવી છે. કેટલાક શિલાપટો પર કમળની આકૃતિ પણ જાેવા મળી હતો.
જ્ઞાનવાપીની ઉત્તરથી પશ્ચિમ તરફ દિવાલના ખૂણા પર અવશેષો મળી આવ્યા છે. અહીં નવું બાંધકામ જાેવા મળ્યું હતું. આ સાથે જ ચોથી મૂર્તિ પર સિંદૂરનો જાડો લેપ ચઢેલો જાેવા મળ્યો હતો. સિંદૂરી રંગની ચાર મૂર્તિ જાેવા મળી હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તેના આગળના ભાગમાં ત્રિકોણાકાર ખાના મળી આવ્યા છે. અંદરના ભાગમાં માટી અને દેવતાઓની આકૃતિ બનેલો એક શીલાપટ પણ મળી આવ્યો છે, જે ઘણા લાંબા સમયથી જમીન પર પડી રહેલો હોવાનુ માલૂમ પડે છે.
પ્રથમ નજરમાં આ ઇમારતના ખંડિત ભાગો લાગે છે. આ શિલ્પાકૃતિઓ જ્ઞાનવાપીની પાછળની પશ્ચિમી દિવાલની કલાકૃતિઓ સાથે મેળ ખાતી જાેવા મળી હતી. નોંધનીય છે કે ૬-૭ મેના રોજ અજય મિશ્રાએ એકલા હાથે સર્વે કર્યો હતો, જેનો રિપોર્ટ તેમણે રજૂ કર્યો હતો. અજય મિશ્રાએ રજૂ કરેલો રિપોર્ટ જ્ઞાનવાપીના બહારના ભાગનો છે, કારણ કે તે પછી કોર્ટ કમિશનરને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.
આ પછી મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો અને ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહને અજય મિશ્રા સાથે સહાયક કોર્ટ કમિશનર તરીકે જાેડ્યા અને તેમને ૧૭ મે સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું. જાેકે ૧૭ મેના રોજ થયેલી સુનાવણીમાં કમિશનર વિશાલ સિંહની ફરિયાદના આધારે અજય મિશ્રાને હટાવવામાં આવ્યા હતા. વજુખાના સહિત બેરીકેટીંગની અંદર અને અન્ય સ્થળોનો સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
નવા વકીલ કમિશનર વિશાલ સિંહ અને સહાયક વકીલ કમિશનર અજય પ્રતાપ સિંહ કોર્ટમાં ૧૨ પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. અજય પ્રતાપ સિંહે કહ્યું કે ઘણું બધું મળ્યું છે, પરંતુ તે જાહેર કરી શકાતુ નથી. કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે.