દર વર્ષે અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હોય છે. આ વર્ષે યાત્રા ૩૦ જૂને શરૂ થશે અને ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને આતંકીઓ નિશાન ન બનાવે તે માટે બેઠકમાં મહત્વના ર્નિણય લેવાની આસા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ યાત્રા પહેલા આ વિસ્તારમાં વધારાના સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો ત્યાં સીસીટીવી કેમેરાથી પણ નરજ રાખવામાં આવશે. ૩૦ જૂનથી બે વર્ષના અંતરાલ બાદ અમરનાથ યાત્રા શરૂ થવાની છે.
અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત શાહે યાત્રીકોની જરૂરીયાત પ્રમાણે શ્રીનગરમાં વિમાન સેવાઓ વધારવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે ગૃહમંત્રીએ અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા એક બેઠક બોલાવી હતી. તો અમિત શાહે છ હજાર ફુટની ઉંચાઈ પર ૧૦૦ બેડ હોસ્પિટલ બનાવવાનું પણ કહ્યું છે. રસ્તામાં શ્રદ્ધાળુઓને રોકાવા માટે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તો સાથે ભૂસ્ખલનથી આવેલી આપદાનો સામનો કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવાનું કહ્યું છે. રસ્તામાં લાઇટની સંપૂર્ણ વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ બેઠક બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં આશરે ૪૫ મિનિટ બેઠક ચાલી જેમાં લોજિસ્ટિક્સને લઈને ચર્ચા થઈ હતી. ત્યાં સ્વાસ્થ્ય, રસ્તા અને સંચારને લઈને શું કામ ચાલી રહ્યું છે અને કેટલું કામ પૂરુ થયું છે તેના પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી સિવાય જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લા, સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે બે વર્ષ બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ અમરનાથ યાત્રા સ્થગિત રહી હતી. અમરનાથ યાત્રાને જાેતા સુરક્ષાદળોએ પોતાની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મીરમાં જે ઘટનાઓ જાેવા મળી તેને જાેતા સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઈ ગઈ છે. ઘાટીમાં આતંકીઓ પોલીસ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે. આતંકીઓ ફરી ઘાટીમાં ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટની ઓફિસમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. કાશ્મીરમાં ફરી અલ્પસંખ્યકોને પોતાની સુરક્ષાની ચિંતા થવા લાગી છે.