અદાણી અને એસ્સાર પાવરે કરાર હેઠળ વીજ સપ્લાય કરવાનો બંધ કરી દેતા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત સિવાયના વીજ વપરાશકારોને માથે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૮ના ત્રિમાસિક ગાળાના વીજવપરાશના બિલમાં વીજયુનિટ દીઠ રૂ. ૩૭થી વધુ પૈસાનો બોજ આવશે.
વીજ વપરાશકારો પાસેથી એફપીપીપીએ પેટે યુનિટદીઠ રૂ. ૧.૬૩ અત્યારે લેવાય છે, તે આગામી મહિનાઓમાં વધીને રૂ. ૨થી વધી જવાની સંભાવના છે. રહેણાંકનું વીજ જોડાણ ધરાવનારાઓનો માસિક ૨૦૦ યુનિટનો વપરાશ હશે તો બિલમાં રૂ. ૮૦થી ૧૦૦ વધુ ચૂકવવા પડશે. અદાણી અને એસ્સાર પાવર પાસેથી યુનિટદીઠ રૂ. ૨.૫૦ના સરેરાશ ભાવથી પણ ઓછા ભાવે મળી શકે તેવી વીજળીને બદલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે રૂ. ૪.૨૫ના યુનિટદીઠ ભાવે વીજળી ખરીદવી પડી રહી છે.
અત્યારે ગુજરાતની વીજ કંપનીઓ રોજના ૨૫૦૦ મેગાવોટથી વધુ વીજળી ઇન્ડિયન પાવર એક્સચેન્જમાંથી ખરીદી રહી છે. તેથી એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ વીજ વપરાશકારોએ યુનિટદીઠ વીજ ખરીદી પેટે ૩૭ પૈસાથી વધુના વધારાનો બોજ ઝેલવો પડશે. પરિણામે ગુજરાતના વીજ વપરાશકારોને માથે રોજના રૃા. ૮ કરોડનો અને મહિને રૂ. ૨૪૦ કરોડનો બોજ આવશે. આજ ગણતરીને આગળ વધારવામાં આવે તો વાર્ષિક બોજ રૂ. ૨૮૦૦ કરોડથી વધુનો આવી શકે છે.