દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે પાછલા સપ્તાહે ચાર વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ ૪૦ બેસિક પોઈન્ટનો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્કે રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆરમાં ૫૦ બેસિક પોઈન્ટનો વધારો થયો હતો.
આરબીઆઈની આ જાહેરાત બાદ તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. દેશમાં મોંઘવારીના મોર્ચે સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને મોંઘા ઈંધણને કારણે રિટેલ મોંઘવારી દરનો આંકડો ૧૮ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ૭ ટકાને પાર પહોંચી ગયો છે.
આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એપ્રિલ ૨૦૨૨માં છુટક ફુગાવો ૭.૭૯ ટકા રહ્યો છે. જ્યારે માર્ચ ૨૦૨૨માં રિટેલ ફુગાવો ૬.૯૫ ટકા હતો. સૌથી વધુ રિટેલ ફુગાવો સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭.૩૪ ટકા રહ્યો હતો. તો દેશમાં મોંઘવારીને લઈને ૮ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
રિટેલ ફુગાવાનો દર ૭.૭૯ ટકા પર પહોંચી ગયો છે. જે રિઝર્વ બેન્ક દ્વારા નક્કી મોંઘવારી દરની અપર લિમિટ ૬ ટકાથી ખુબ વધુ છે. એપ્રિલમમાં મોનિટરી પોલિસીની જાહેરાત સમયે રિઝર્વબેન્કે ૨૦૨૨-૨૦૨૩માં મોંઘવારી દર ૫.૭ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
એનએસઓના ડેટા પ્રમાણે શહેરી વિસ્તારમાં મોંઘવારી ખુબ વધી છે. શહેરી વિસ્તારમાં મોંઘવારી દર ૮.૩૮ ટકા રહ્યો છે, જ્યારે ગ્રામિણ વિસ્તારમાં રિટેલ ફુગાવો ૭.૦૯ ટકા રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
૨૨ માર્ચથી સરકારી તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા મોંઘા થઈ ગયા છે. તેના કારણે વસ્તુઓની કિંમત પણ વધી હતી. તો એક એપ્રિલથી પ્રાકૃતિક ગેસના ભાવમાં પણ વધારો થયો, જેના કારણે પીએનજી અને સીએનજી મોંઘા થઈ ગયા છે.
રશિયા યુક્રેન યુદ્ધને કારણે ખાવા પીવાની ઘણી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. તો ઈંધણ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટર્સે ભાડામાં વધારો કરી દીધો છે. જેથી માલ હેરફેરની કિંમત પણ વધી છે. એપ્રિલ મહિનામાં ખાવા-પીવાની વસ્તુના મોંઘવારી દરમાં મોટો ઉછાળ આવ્યો છે.
એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર ૮.૩૮ ટકા રહ્યો છે, જ્યારે તે માર્ચમાં ૭.૬૮ ટકા હતો. ફૂડ બાસ્કેટમાં વધારાને કારણે ખાવાના તેલના ભાવ વધ્યા છે. શાકભાજી-ફળની કિમતોમાં પણ વધારો આવ્યો છે. મીટ અને માછલીની કિંમત પણ વધી છે.