સો સો અશ્રુઓની તાકાત લઈને આવે છે યુવાની,
અનેક આશાઓ,અરમાનો અને આનંદ એટલે યુવાની,
કંઈક કરી છૂટવાની તમન્ના અને દ્રઢ મનોબળ એટલે યુવાની….
યુવાની એટલે મોડી રાત સુધી મિત્રો સાથે કરેલી ખટમધુરી વાતો,
યુવાની એટલે એકસાથે પંદર-વીસ ગુલાબજાંબુ ઝાપટી જવાની શરતો,
યુવાની એટલે છત્રી કે રેઇનકોટને અવગણી હથેળી ખુલ્લી રાખી વરસતા વરસાદમાં ચાલવાનો આનંદ,
યુવાની એટલે બેફિકરાઈથી શહેરને ખૂંદી,નવા રસ્તા શોધવાની રમત,
યુવાની એટલે કોઈ પણ મુશ્કેલી સામે બાંયો ચડાવીને બથ ભરવાની હિંમત,
યુવાની એટલે અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે આકાશમાં તારો થઈને ચમકવાની ઈચ્છા,
અને યુવાની એટલે ગાડરિયા પ્રવાહથી અલગ ચાલીને પોતાના નામની નવી કેડી પાડવાની લગન….
સુંદરતા, સાહસ, જોમ અને જુસ્સાનો અદભુત સમન્વય એટલે યુવાની, જિંદગીના આ આહલાદક તબક્કામાં માણસની કલ્પનાશક્તિ પણ અજોડ હોય છે. ઇચ્છાઓની હોડી લઈને એ સપનાના સાગરમાં સહેલતો હોય છે. અનેક મુસીબતો અને પડકારો સામે ઝુકવા કરતા ઝઝૂમવાનું એ વધુ પસંદ કરતો હોય છે.
મને ગર્વ છે કે હું હાલમાં સૌથી વધુ યુવાનો ધરાવતા દેશનો નાગરિક છું. આપણી પાસે કુલ વસતીના 50% કરતા વધુ સંખ્યા યુવાનોની છે, જે દેેશ-વિદેશમાં પોતાનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. વિશ્વના ફલક પર સાહિત્યથી માંડીને સાયન્સ, રમતોથી માંડીને રાજકારણ એમ કોઈપણ ક્ષેત્રમાં યુવાનોનો દબદબો રહ્યો છે, એ વાતનો ગર્વ હોવો જોઈએ તેમ છતાં પણ કેમ આપણા ઘણા કહેવાતા વડીલોને એ સહન નથી થતું એમ એ લોકો કંઈક ને કંઈક ખામી શોધ્યા કરે છે, આપણા પ.પૂ.ધ.ધુઓને તો બસ યુવાનોમાં ખોટ જ દેખાતી હોય એમ આપણને ટાર્ગેટ બનાવીને કહ્યે જતા હોય છે. એમને તો બસ Sophisticated વ્યક્તિ જોઈએ છે જે ધીમું ધીમું ચાલતો હોય, ધીમું ધીમું બોલતો હોય અને આવા વેવલાવેડા યુવાનોને પસંદ નથી એટલે જ કદાચ અત્યારે આપણા ધર્મક્ષેત્રમાં યુવાનોને રસ નથી રહ્યો, કારણકે યુવાની એટલે જ સહેજ ઉતાવળ, લોહી જ્યારે ચટકા ભરતું હોય ત્યારે બેસી કેમ રહેવાય ! સહેજ ઉગ્રતા એટલે જ યુવાની, કંઈક નવું કરવાનો ઉમળકો હોય એજ તો આ ઉંમર, A. C. રૂમ માં બેસી રહેવાની આ ઉંમર નથી, આ ઉંમર તો છે ખરાબપોરના તડકામાં માથા પર મહેનતના પસીનાથી તરબતર થવાની, કૈક બદલવાની, આપણે બધા સાક્ષી છીએ કે કોઈ નદીનું પાણી સ્થગિત થાય એટલે એમાં શેવાળ જામે છે એમ કોઈ માણસ સ્થગિત થાય એમ એની પ્રગતિ રૂંધાય છે અને આ ઉંમર તો વહેવાની તો પછી અમારું એમને એમ બેસી રહેવું ક્યાં સુધી વ્યાજબી છે???
કોઈપણ દેશના યુવાનો એની તાકાત છે, આ એક એવું વહેણ છે કે જો એને યોગ્ય રસ્તે વાળવામાં આવે તો એ સર્જન કરશે અને આ વહેણને યોગ્ય રસ્તે વાળવા માટે જરૂર પડશે કોઈ આદર્શની, કોઈ રોલમોડેલની અને આ આદર્શો મળશે ક્યાં??? તો કે રામાયણમાં, ભાગવતમાં, સૌરાષ્ટ્રની રસધારમાં, The Alchemistમાં, Wings of Fireમાં, Revolution 20-20માં અને આપણા ઇતિહાસમાં…. કે જેના પગલે ચાલીને આપણે એક proper Youthનું નિર્માણ કરી શકીશું.
આજે ૨૩મી માર્ચ એટલે કે શહીદ દિન નિમિત્તે વાત કરવી છે એક એવા યુવાન વિશે જેણે બહુ નાની ઉંમરમાં જ ઘણું બધું જીવી લીધું. હા, આજે યાદ કરવા છે એ સુખદેવ, રાજગુરુ અને શહિદ-એ-આઝમ ભગતસિંહને….
એવું તે શું હતું આ વિરલામાં કે આટલી નાની ઉંમરમાં ડંકો વગાડી દીધો,એવી ઘણી બધી વાતો છે જે એમના જીવનમાંથી પ્રેરણા લીધા જેવી છે.
- ઉચ્ચ અભ્યાસ:-શિક્ષણએ વ્યક્તિના વિકાસ માટેની આવશ્યક જરૂરિયાત છે, અને અહીં માત્ર ડિગ્રીવાદી અભ્યાસની વાત નથી. જીવનમાં બનતી ઘટનાઓને મૂલવીને એમાંથી સાર તત્વ ગ્રહણ કરીને આગળ વધવું. આ ખૂબી ભગતસિંહમાં હતી એમણે કરતારસિંહ સરાબાના જીવનમાંથી પ્રેરણા લીધી, પોતાના આદર્શ બનાવ્યા અને જે શીખ્યા, જે વિચાર્યું એને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો.
- એક્ટિવ રહેવું:- 14 વર્ષના હતા ત્યારથી માંડી 24 વર્ષના થયા ત્યાં સુધી એટલેકે ફાંસીના માચડે ચડ્યા ત્યાં સુધી ભગતસિંહ એકટિવ રહેલા. બાળપણથી જ તેમને એવું વાતાવરણ મળ્યું હતું, નાની ઉંમરથી જ સભાઓમાં ભાગ લેતા, રેલીમાં સહભાગી બનતા અને જેલમાં હતા તો ત્યાં પણ તેમણે જે ભોજન અને અન્ય સુવિધાઓમાં અવ્યવસ્થા હતી એની સામે બાંય ચડાવીને લગભગ 112 દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી જેના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકાર ને ઝુકવું પડ્યું હતું અને તેમની માંગણીઓ સંતોષવી પડી હતી. ટૂંકમાં ભગવદગીતાના શ્લોક कर्मण्येवाधिकारस्ते माफ्लेषु कदाचन ને અક્ષરશ: તેમણે જીવી બતાવ્યું હતું.
- અલગારી બનવું:- અલગારી શબ્દને આ લેખકડો થોડા અલગ રૂપે રજૂ કરવા માંગે છે, અલગારી બનવું એટલે અલગ બનવું.ભગતસિંહ ધારત તો તે જમાનામાં પોતાના અભ્યાસ પ્રમાણેની સરસ મજાની નોકરી મેળવી અને ઠરીઠામ થઈ શક્યા હોત, પણ તેમણે એવું ના કર્યુ જમાના થી અલગ એક ચીલો ચિતર્યો, જે ઉંમરે યુવાનો લગ્નના સપના જોતા હોય એ ઉંમરે એને દેશની આઝાદી માટેની લગન લાગી હતી. પોતાનું ધ્યેય કૈક અલગ બનાવ્યું અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. બીજા લોકો કરતા પોતાના કાર્યને એક અલગ આયામ સુધી લઈ જવાની એમની ધગશ અને કાર્યશૈલીને લીધે ભગતસિંહ એક સફળ વ્યક્તિ બની શક્યા.
- ઉત્સાહી બનવું:- પોતાના કાર્યમાં સફળ થવા માટે ની આવશ્યક શરતો પૈકીની એક શરત એટલે ઉત્સાહી બનવું. સફળતાની દેવીને મોઢે મશ ઢળેલ વ્યક્તિ પસંદ નથી, એને તો ઉત્સાહથી ઝગારા કરતો ચેહરો વધુ પસંદ છે. ભગતસિંહ ઉત્સાહથી છલોછલ ભરેલ વ્યકતિત્વ હતું, કોઈપણ કઠોર પરિસ્થિતિમાં એમનો ઉત્સાહ ઓસર્યો નહતો, ક્યારેક ક્રાંતિકારીઓ પાસે એક ટંક જમવાના ફાંફા પડતા, ઘણીવાર લાંઘણો ખેંચવી પડતી પણ ક્યારેય એમના હૃદયમાં હિંમત અને આશા ખૂટી નહોતી.
આવી તો બીજી ઘણી બધી વાતો છે જે આપણે એમના જીવનમાંથી શિખવાં જેવી છે અને રાષ્ટ્રહિતની જ્યોત આપણા દિલમાં જલાવતી રાખવાની છે.
શહીદોના ચરણોમાં વંદન સાથે……. ભારતમાતા કી જય …..
લેખકઃ યુગ અગ્રવાત