યશ સ્ટારર કેજીએફ ચેપ્ટર ૨ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
ફેન્સ પણ ફિલ્મ અને અભિનેતા યશના ભારે વખાણ કરી રહ્યા છે. ફિલ્મ તેના વિશ્વવ્યાપી કલેક્શન સાથે માત્ર ૧૦૦૦ કરોડના ક્લબની નજીક પહોંચી રહી છે એટલું જ નહીં, પરંતુ ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન પણ રેકોર્ડ તોડી રહ્યું છે. તે માત્ર ૧૧ દિવસમાં ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ ગઈ હતી અને હવે ૧૪ દિવસમાં તે હિન્દીમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે ઉભરી આવી છે.
તેનો અર્થ એ પણ છે કે કેજીએફ ચેપ્ટર ૨ એ બોલિવૂડની કેટલીક સૌથી મોટી ફિલ્મો જેમ કે, પીકે, સંજુ અને ટાઈગર ઝિંદા હૈના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. ૧૩મા દિવસે એટલે કે બુધવારે ફિલ્મે રૂ. ૬.૨૫ કરોડ અને કુલ કલેક્શનને રૂ. ૩૪૩.૧૩ કરોડ થયું છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મનું આ કલેક્શન સલમાન ખાન-કેટરિના કૈફ સ્ટારર ટાઈગર ઝિંદા હૈ, આમિર ખાનની પીકે અને રણબીર કપૂર સ્ટારર સંજુના લાઇફટાઇમ કલેક્શન કરતાં પણ વધુ છે. તેને હવે ૫૦૦ કરોડના ક્લબમાં સામેલ માત્ર બે જ ફિલ્મો દંગલ અને બાહુબલીઃ ધ કન્ક્લુઝન ને ઓવરટેક કરવાની બાકી છે.
વર્લ્ડ વાઇડ બોક્સ-ઓફિસ વિશે વાત કરીએ તો કેજીએફ ચેપ્ટર ૨ ૧૦૦૦ કરોડના કલેક્શનથી થોડાક જ કરોડ ઓછા છે અને આ સપ્તાહના અંતે તે અહીં પહોંચી જશે. એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ફિલ્મે બુધવારે રૂ. ૧૯.૩૭ કરોડ અને વિશ્વભરમાં કુલ કલેક્શન હવે રૂ. ૯૨૬.૬૭ કરોડ છે.
કેજીએફ ૨ હિન્દી વર્ઝન માટે ૨૫૦ કરોડ અને ૩૦૦ કરોડના ક્લબમાં પ્રવેશનારી સૌથી ઝડપી ફિલ્મ બની હતી. ૩૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી બાહુબલીઃ ધ કન્ક્લુઝન પછી તે બીજી ડબ થયેલી ફિલ્મ પણ બની છે.
યશને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ સંજય દત્ત અને રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં છે. ચેપ્ટર ૨ના અંતે જણાવ્યા અનુસાર, પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મનો ત્રીજાે ભાગ પણ જાેવા મળશે.