આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોંઘવારી સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ શિક્ષણના સળગતા મુદ્દાને લઈ સરકારને ઘેરવાની કોશિષ કરી છે. જ્યારે ભાજપ દ્વારા આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને નાગરીકોને રાહત આપવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.
વીજળીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી રોજગારીની વાત, તમામ મુદ્દાઓ પર સરકાર સક્રિય થઈ છે અને જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહી છે. પાર્ટીઓની સક્રિયતાને જાેતા ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેતો દેખાઈ રહ્યાં છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ જામ્યો છે.
રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધવા માંડી છે. વડાપ્રધાન મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારીની સતત અવરજવરથી વહેલી ચૂંટણી યોજવાના સંકેતો મળી રહ્યાં છે. ત્યારે હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનપુમ આનંદની અચાનક બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને નવા ચૂંટણી અધિકારી તરીકે ૨૦૦૫ના આઈએએસ અધિકારી પી. ભારતીની નિમણૂંક કરાઈ છે.
મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ ૨૦૦૦ની બેચના આઈએએસ કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યા હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૨૧ના મે મહિનામાં તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામા આવી હતી.
હવે તેમની બદલી કરી નાખવામાં આવી છે. તેમની જગ્યાએ ૨૦૦૫ના આઈએએસ અધિકારી પી.ભારતીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં જ જાહેર થઈ શકે છે. કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે.
સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણી પંચ મંગાવી રહ્યું છે.કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બીજી તરફ ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી. ૧૩ એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.