આણંદમાં બાળ લગ્ન અટકાવવા માટે મહત્વનો નિર્ણય
દેશ સહિત રાજ્યમાં બાળલગ્ન અટકાવવા માટે અવનવા નિસખા અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે તેને લગતા કાયદા પણ કડક કરવામાં આવી રહ્યા છે એ દરમ્યાન આણંદ જિલ્લામાં ૩જી મેના રોજ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતિયા નિમિત્તે કે યોજાનારા લગ્નોમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવશે.
આ તપાસ દરમિયાન છોકરીની ઉંમર ૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાનું માલુમ થશે. તો કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવામાં આવશે. જેમાં સગીરના માતા–પિતા, ગોર મહારાજ ઉપરાંત રસોયા, મંડપવાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમૂહલગ્ન કરાવનારા આયોજકોને છોકરા-છોકરીઓની ઉંમરની ખરાઇ કર્યા બાદ જ લગ્ન કરાવવાના રહેશે. અન્યથા આવા કિસ્સામાં સમૂહલગ્ન આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ ફરિયાદમાં બાળલગ્ન કરાવનાર, સંચાલન કરનાર, સૂચના આપનાર અથવા મદદગારી કરનાર જેમ કે બાળકના વાલી અથવા બાળકનો હવાલો ધરાવનાર વ્યક્તિ, લગ્નવિધિ કરાવનાર (તમામ ધર્મ), લગ્નમાં ભાગ લેનાર ૧૮ વર્ષથી ઉપરની તમામ વ્યકિત, સમૂહલગ્નના આયોજકો, મંડપ ડેકોરેશન, કેટરીંગ, ફોટોગ્રાફર વિગેરે સામે આ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનો સાબિત થતા બે વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ સુધીના દંડની સજા થઇ શકે છે.
આણંદના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ આ બાબતે લેખિત, મૌખિક ફરિયાદ જેઓ કરવા માંગતા હોય તેઓને આણંદના અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ખાતે આવેલ બાળલગ્ન અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લેખિત, મૌખિક કે ફોન નંબર ૦૨૬૯૨- ૨૫૦૯૧૦, ૨૫૩૨૧૦ કે ૧૦૯૮ -ચાઇલ્ડ લાઇન, ૧૮૧-મહિલા હેલ્પ લાઇન અભ્યમ કે ૧૦૦ પોલીસ જેવા નંબર પર પણ સંપર્ક કરી જાણ કરવા જણાવ્યું છે.