અમદાવાદ :અહીંથી દૂર હરારેમાં સતત રડતા અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરતા આઠ મહિનાના બાળકના માતા-પિતા તેની તકલીફથી વ્યાકૂળ થઈ ગયા હતા અને તેમના સંતાનનો પહેલો જન્મદિવસ ઊજવી શકશે કે કેમ તેની પણ તેમને શંકા ઊભી થવા લાગી હતી.
જોકે, ભારતમાંથી તેમને મદદ મળી. સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોએ વીડિયો કોન્ફરન્સિંગ મારફત માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું અને વધુ સારવાર માટે બાળકને અમદાવાદ લાવવાની ભલામણ કરી. પછીથી ઝિમ્બાબ્વેના નાગરિક બાળક મુકુન્દી ન્યાકોકોને હૃદયમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું, જેણે તેને હેમોડાયનેમિકલી અસ્થિર (ઓછો રક્ત પ્રવાહ) બનાવ્યું હતું.
શીશુની જન્મજાત હૃદયની બીમારી દૂર કરવા માટે એપીકાર્ડિયલ પેસમેકરનું પ્રત્યારોપણ કરવા માટે ગયા સપ્તાહે સિમ્સમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પેસમેકર મૂકવાની જટીલતા સમજાવતા સિમ્સ હોસ્પિટલના વરિષ્ઠ કાર્ડિયાક સર્જન ડૉ. ધવલ નાયકે જણાવ્યું હતું કે, ‘શ્રેષ્ઠ સર્જન્સ માટે પણ નવજાતના હૃદયમાં પેસમેકરનું પ્રત્યારોપણ કરવું મોટો પડકાર હોય છે, પરંતુ અમારી ટીમ જટીલતા વિના આ ઓપરેશન કરવાનો વિશ્વાસ ધરાવતી હતી.’
‘સંભવતઃ મુકુન્દી પેકમેકરનું પ્રત્યારોપણ કરાવનાર સૌથી નાની વયનું બાળક છે, જેણે પ્રત્યારોપણ પછી ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે,’ તેમ સફળતાપૂર્વક આ ઓપરેશન કરનારી ટીમનું નેતૃત્વ કરનારા ડૉ. ધવલે જણાવ્યું હતું. સિમ્સમાં એક સપ્તાહ માટે નિરીક્ષણ હેઠળ રખાયા પછી મુકુન્દીના માતા-પિતા તેને હરારે પાછા લઈ ગયા છે. નવજાત શીશુને મોંથી ખોરાક લેતો જોઈને તેના માતા-પિતા ખૂબ જ આનંદિત થઈ ગયા હતા.
‘અમે વાઈ-ફાઈ ટેકનિક મારફત પેસમેકરને ફાઈન ટ્યૂન કરવા માટે માતા-પિતાને એક મહિના પછી ટેલીકોન્ફરન્સથી ચેક-અપ માટે સલાહ આપી છે,’ તેમ ડૉ. નાયકે જણાવ્યું હતું. ડૉ. ધવલ નાયકની સાથે ડૉ. અજય નાયક, ડૉ. શૌનક શાહ, ડૉ. અમિત ચિતલિયા, ડૉ. કશ્યપ શેઠ અને ડૉ. વિપુલ આહિર ટીમનો ભાગ હતા તેમજ પારા-મેડિકલના કર્મચારીઓ પણ તેમાં જોડાયેલા હતા.