૮૯૪મી રામકથાનો પુર્ણાહુતી દિવસ આજે પતંજલિ યોગપીઠમાં ઐતિહાસીક-ગૌરવશાળી દિવસ બન્યો કારણ કે,રામનવમી,ચૈત્રનવરાત્રિ સાથે-સાથે જે પરંપરામાં જીવીએ છીએ એ મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ૧૦ એપ્રિલ ૧૮૮૫માં આર્યસમાજની સ્થાપના કરી હતી અને એવા મહર્ષિ દયાનંદ જેટલા જ પ્રકાંડ વિદ્વાન આર્યસમાજ સાથે સંકળાયેલા ત્રણ વિદ્વાનોએ પહેલીવાર નવ દિવસ સામે બેસીને કથા સાંભળી.આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે વેદ પરંપરા અને સનાતની પરંપરાનો સેતુ બની રહ્યો છે. એક સ્વર્ણિમ શૃંખલા રચાવા જઇ રહી છે જ્યારે પતંજલિ વિદ્યાલયની પ્રથમ ડીલીટની પદવી ત્રણ સાધ્વીજીઓને મળે છે.જેમાં સાધ્વી દેવપ્રિયાજીએ અષ્ટાંગયોગ વિષય પર સંશોધન કરેલું છે.
વેદ પરંપરામાં પુરાણો પર સંશોધન થતું નથી પરંતુ વિદુષી સાધ્વી દેવપ્રિયાજી પહેલી વખત આ વિષય પર સંશોધન કરી અને ડીલીટની પદવી મેળવી રહ્યા છે. સાથે-સાથે ૨૭ વર્ષ પહેલાં સ્વામીજીએ આજના દિવસે સન્યાસ ગ્રહણ કરેલો અને સંન્યાસ પરંપરાના પાંચ વર્ષ પહેલાં શતાધિક સન્યાસી-શિષ્યોને તૈયાર કર્યા,આવા અનેક દીક્ષિત સન્યાસી,સાધ્વી ભાઈ-બહેનો કહે છે કે બાપુ કઈ લેતા નથી,બાપુને કશું જ જોઈતું નથી તો આવા પરમ પાવન દિવસ પર શું આપવું?એટલે ખૂબ જ વિચાર્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય બાલકૃષ્ણ એક કાર્ય કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે:”આદિ બાપ દયાનંદ સરસ્વતી પણ ગુજરાતી અને વર્તમાન બાપ મોરારીબાપુ પણ ગુજરાતી! મહાપુરુષ ક્યારેય ધારાઓ નિર્માણ નથી કરતા”.દયાનંદ સરસ્વતીથી આજ સુધી જેટલા લોકોએ વેદો પર કામ કર્યું,ભાષ્યો અને મંત્રની વ્યાખ્યા લખી એ બધા જ-લગભગ ૫૦ જેટલા વિદ્વાવાનોનું અને એના ૫૦ પુસ્તકો ઉપર કામ કરી, સંશોધન કરી એક મહત્વનું પ્રકાશન ‘વેદોંકી શિક્ષા’ એ નામથી કરી અને આજે એને લોકાર્પણ કરવા, બાપુને અર્પણ કરવા જઈ રહ્યા છીએ.આજે ત્રણ બાપ છે:પહેલા દયાનંદ સરસ્વતી,બીજા મોરારીબાપુ અને ત્રીજા રામદેવજી.૮ વોલ્યુમનાં આ મહાન કાર્યનું જ્યારે વ્યાસપીઠ પર લોકાર્પણ થઈ રહ્યું હતું એ વખતે પતંજલિ પીઠની છાત્રાઓ દ્વારા સમર્પણના શ્લોકનું ગાયન પણ ચાલુ હતું.જૈન મુનિ, આચાર્યશ્રીઓ,વિદ્યાર્થીઓ,સન્યાસીઓ અને પતંજલિ યોગપીઠનો વિશાળ પરિવાર ઉપસ્થિત હતો.
બાલકૃષ્ણજીએ જણાવ્યું કે આજે પરમ સૌભાગ્ય છે. ૮૯૪મી કથા છે,સ્વામી રામદેવજીનો ૨૭ મો સન્યાસ દિવસ છે,રામનવમી છે અને બધા જ પુસ્તકો ચૈત્રી નવરાત્રિના સંયોગ પર અર્પણ કરીએ છીએ.વેદને વિજ્ઞાન સાથે જોડવાનું ગંજાવર કામ પણ થઈ રહ્યું છે ત્યારે વેબસાઇટ રિસર્ચ જેને ‘યોગાયૂ રિસર્ચ’ નામથી બાપુના હસ્તે ખુલ્લી મુકવામાં આવી.જ્યાં પ્રાચીન અને અર્વાચીન સંશોધન થઈને અંગ્રેજી જ નહીં પણ સંસ્કૃત અને હિન્દી ભાષામાં પણ અનુવાદ પ્રકાશન કાર્ય થશે.સ્વામી રામદેવજી જણાવ્યું કે મહર્ષિ દયાનંદ ગુરુ પરંપરામાં એક મહાનાયક,બુદ્ધપુરુષ જે શ્લોક,ઋષિ પરંપરા, સનાતન વેદ અને ભારતીય મનિષાઓને સાથે લઈને ચાલનાર,શ્લોકને લોક સુધી પહોંચાડનાર-મોરારીબાપુ જે હસે,હસાવે,નચાવે એ એનો એક પક્ષ છે પણ બીજો પક્ષ જ્યાં દેવ સંસ્કૃતિ,ઋષિ સંસ્કૃતિમાં જીવે છે,સનાતની પરંપરામાં જીવે છે, જે સાધક પણ છે,સિધ્ધ પણ છે,શુદ્ધ પણ છે અને બુદ્ધ પણ છે.આવા બાપુ પાસે એટલી જ માગણી કે અમે આપના દિલમાં રહીએ છીએ અને ત્યાં જ રહેવા માગીએ છીએ.
કથા પ્રારંભે બાપુએ કહ્યું કે રામદેવજીનો સંન્યાસ દીક્ષાદિન,બધા જ વેદ-પુસ્તકોનું લોકાર્પણ,રામ નવમી ચૈત્રનવરાત્રિ અને સાથે-સાથે રામચરિતમાનસનો પ્રાગટ્ય દિન પણ છે.એટલે ખૂબ જ આનંદ છે.અહીં આચાર્યો,અધ્યાપકો,સાધકો તમામ ભાઈઓ બહેનો અને સંપૂર્ણ વિશ્વ અને સમગ્ર સંસારને રામના પ્રાગટ્ય દિનની વધાઈ. બાપુએ કહ્યું કે રામ વિશ્વરૂપ છે જગનિવાસ છે, રામ ભગવાન છે, રામ પરમાત્મા છે,રામ ઇશ્વર છે રામ પરબ્રહ્મ છે,રામ શું નથી?પરમપાવન અવતરણ પરમસત્તાનું-એનો આનંદ છે અને સંવત ૧૬૩૧ની રામનવમી ભોમવાર અને મધુમાસ એ વખતે ત્રેતાયુગમાં રામ પ્રાગટ્ય વખતે જે યોગ હતો એ જ યોગમાં તુલસીનું રામચરિતમાનસ અવધપુરીમાં પ્રકાશિત થયું.આપણે રામને જોયા નથી,સ્પર્શ કર્યો નથી,માત્ર નામ લઈએ છીએ અને ધ્યાનમાં મહેસુસ કરીએ છીએ.પણ રામચરિત માનસને જોઇએ,સાંભળીએ છીએ અને એની સાથે સંવાદ કરીએ છીએ અને એક નાચતા, ગાતા,હસતા હસાવતા,બધાને અપનાવતા સંન્યાસીનો આજે ૨૭મો પ્રાગટ્ય દિન છે.રામદેવ બાબાએ વિદ્યા જ નહીં વિનય પણ શીખવાડ્યું છે. ખૂબ મોટું કામ કર્યું છે.આચાર્યજીએ રામનવમીના દિવસ પર સમગ્ર વિશ્વની અષ્ટ વરદાન આપ્યા છે. તુલસીજી કહે છે કે દશરથ!તારા પુત્ર પુત્ર નથી પણ વેદના સૂત્ર,વેદના મંત્ર છે ચાર પુત્રો વેદના મહાવાક્ય છે.બાપુએ કહ્યું કે મારા માટે રામકથા જ જીવન છે એ જ અમારું આયુષ્ય છે અને એક કથા પછી બીજી કથા શરૂ થાય તે ફરી મારો નવો જન્મદિવસ! આ રીતે ૮૯૪ જન્મદિવસ મનાવ્યા છે!સત્સંગ રસ છે અને યોગને પણ બાબાએ રસ બનાવી દીધો.
એ પછી કાગભુષંડીજીની સમાસ પદ્ધતિથી સમગ્ર રામકથા જેમાં વિશ્વામિત્ર યજ્ઞરક્ષા માટે આવે છે અને રસ્તામાં રામ તાડકાનો વધ કરે છે તાડકા એ દૂરાષા-મેલી આશા છે એને બે પુત્ર-મારિચ અને સુબાહુ. દુરાષાને બે પુત્ર હોય છે:દુઃખ અને દોષ. વિશ્વામિત્ર પાસે શસ્ત્ર,શાસ્ત્ર સાધન,સાધના સૂત્ર અને મંત્ર આ ૬ વસ્તુઓ હોવા છતાં એનો યજ્ઞ સફળ ન હતો કારણ કે રામ રૂપી સત્ય અને લક્ષ્મણ રૂપી સમર્પણ સાથે ન હતું.સાધન સંપન્ન અને સાધના સંપન્ન લોકો પાસે પણ જ્યારે સત્ય અને સમર્પણ ન હોય ત્યારે એનું કોઈ કાર્ય સફળ થતું નથી. કંઈ પણ પ્રાપ્ત થયા પછી તપ,દાન અને યજ્ઞ ક્યારેય છોડવા ન જોઈએ.એ પછી બાપુએ રામકથાને સંક્ષિપ્ત રૂપથી તમામ પ્રકરણો લઈ અંતે જણાવ્યું કે દોઢસો વર્ષ જૂનું એક પુસ્તક-હૃદયકુંજ-હાથમાં આવ્યું. જ્યારે માનસ ગુરુકુળની વાત કરીએ છીએ ત્યારે માનસ એટલે હૃદય અને માનસ સ્વયં ગુરુકુળ છે.હૃદય ગુરુકુળનાં સ્વધર્મ કયા છે?:સ્પંદન હોવું જોઈએ,ગુરુકૂલ-માનસ-હ્રદય ધડકતું ધબકતું હોવું જોઈએ,સંવેદન અને વેદના હોવી જોઈએ,નિષ્ઠા હોવી જોઈએ,સંગતિ હોવી જોઈએ અને સંશોધન હોવું જોઈએ.
સાથે-સાથે બાપુએ જણાવ્યું કે આ રામકથાનું સુકૃત સુ-ફળ સંન્યાસ દીક્ષામાં ૨૭ વર્ષ પૂર્ણ કરનાર બાબા રામદેવજીના દીક્ષા દિવસ પર એને સમર્પિત કરીએ છીએ.
હવે પછીની ૮૯૫મી રામકથા ગ્વાલિયર પાસેના લલિતપુર(મ.પ્ર.)મુકામેથી આગામી 30 એપ્રિલથી શરૂ થશે જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી અને યુટ્યુબના માધ્યમથી જોઈ શકાશે.