ગાંધીનગરમાં ‘વિશ્વ જળ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન તહેત શૌચાલયોમાં પાણીનો વ્યય ઘટાડવા માટેની ડયૂઅલ ફલશ મિકેનિઝમ કેમ્પેઇનનો પણ આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણીના કરકસરયુકત અને વિવેકપૂર્ણ ઉપયોગનું આહવાન કરતાં રીડયુસ, રિચાર્જ, રિયુઝ, રિસાયકલ એમ ચાર સંકલ્પો સાથે પ્રોગ્રેસીવ સ્ટેટ નિર્માણની નેમ વ્યકત કરી છે.
વિજયભાઇ રૂપાણીએ આ અવસરે ૧પ૦ જેટલી ગ્રામીણ પાણી સમિતિઓને નિભાવણી અને મરામત અનુદાન પેટે રૂા. ૧ કરોડ ૧૬ લાખની પુરસ્કાર રાશિ અને ૧૦૦ ટકા મહિલા સંચાલિત પાણી સમિતિઓને મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અન્વયે રૂા. ૧૪ લાખ પ૦ હજારના પુરસ્કારો એનાયત કર્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ પાણી બચાવો તો જીવન બચશે નો કોલ આપતાં કહ્યું કે, વિશ્વમાં જે પાણી હાલ ઉપલબ્ધ છે તેમાં ૭૦ ટકા તો દરિયાનું ખારૂં પાણી છે. ચોખ્ખુ અને પીવાલાયક પાણી મર્યાદિત છે. એટલું જ નહિ, પાણી કોઇ પ્રોસેસથી કે લેબોરેટરીમાં ઉત્પન્ન થઇ શકવાનું નથી જ.
આ સંદર્ભમાં તેમણે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના સરકારના પ્રયાસોમાં જનસહયોગની આવશ્યકતા સમજાવી હતી.
તેમણે ગુજરાત જેવા પાણીની અછતવાળા રાજ્યમાં પાણીના રિલાયેબલ સોર્સીસ ઊભા કરવા સાથે તેના યોગ્ય વિતરણ માટે પણ હિમાયત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વિકાસના રોલ મોડેલ જેમજ જળસંરક્ષણ-જળસંચય અને પાણી બચાવો ક્ષેત્રે પણ રોલ મોડેલ બનાવવા સામાજીક લોકચેતનાની હાકલ કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને પગલે જળ ઉપયોગ પણ વધ્યો છે ત્યારે વોટર બજેટીંગથી જરૂરિયાત પુરતા જ પાણીના ઉપયોગ માટે પ્રેરક આહવાન કર્યુ હતું. ‘‘પાણી પરમેશ્વરનો પ્રસાદ છે’’ તેમ જણાવતા વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌને કરકસરયુકત વપરાશનો અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાને મહદઅંશે નિવારીને નર્મદા જળ ઘરે-ઘરે પહોચતા કર્યા છે. ૮૦ ટકા વસ્તીને નળ દ્વારા ઘર આંગણે પાણી છેક કચ્છ-આદિજાતિ વિસ્તારોમાં મળતું થયું છે. હવે, જ્યાં હેન્ડપંપથી ભૂગર્ભ જળ અપાય છે ત્યાં પણ ટેપ વોટર આપીને ભૂગર્ભ જળ બચાવી ગુજરાતને ૧૦૦ ટકા હેન્ડપંપ ફ્રી સ્ટેટ બનાવવાની દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માળિયા નજીક પ્રથમ ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના માટેના સરકારના આયામોનો ખ્યાલ આપ્યો હતો. તેમણે રાજ્યમાં ૩૧ જુલાઇ સુધી પીવાનું પર્યાપ્ત પાણી સૌને મળે તે માટે રાજ્ય સરકારે નર્મદા જળનું સુદ્રઢ આયોજન કર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ શૌચાલયોમાં હાલના ફલશ કોક સિસ્ટમને કારણે ૧પ લીટર પાણીનો જે વ્યય થાય છે તે દૂર કરી ડયૂઅલ ફલશ સિસ્ટમથી ૩ લિટર જ પાણી વપરાય તે માટેના કેમ્પેઇનનું લોન્ચીગ કરતાં આ સિસ્ટમ માટે યોગદાન આપનારા સેનેટરી ઉત્પાદકોની પ્રસંશા કરી હતી.
સિંચાઇ અને પાણી પુરવઠા રાજય મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણી એ જીવન માટે જરૂરી સ્ત્રોત છે. વસ્તીમાં વધારો થતો જાય છે, તેમ પાણીની માંગ વધતી જાય છે. ગુજરાતમાં ઘરેલું પાણીનો વપરાશ કુલ ઉપલબ્ઘ સ્ત્રોત્રના ૧૨ ટકા જેટલો છે. શહેરી વિસ્તારમાં શૌચાલય ઉપયોગ માટે પાણીની જરૂરિયાત વધુ રહે છે. આથી ફલેશ મીકેનીઝમમાં નાનો સુઘારો અને અન્ય પાણી બચાવવાની પદ્ધતિઓ શૌચાલયમાં પાણી વપરાશ અને બગાડને નોંધપાત્ર રીતે ઓછું કરી શકશે. જળ દિવસ નિમિત્તે સર્વે લોકોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા માટે આહવાન પણ કર્યું હતું.
વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જળ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, જળ માત્ર જીવવા માટે જ નહિ, પણ ખેતીની સિંચાઇ તથા પર્યાવરણની જાળવણી માટે પણ તેટલું જ મહત્વ ધરાવે છે.
પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જે. પી. ગૃપ્તાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, આદિકાળથી જળ છે, ત્યાં જ આપણી સંસ્કૃતિનો વિકાસ થયો છે. આજે જળને લઇ સમગ્ર વિશ્વમાં ચિંતાની લાગણી જન્મી છે. વધતી જતી વસ્તી અને શહેરીકરણથી પાણીની માંગ વધી રહી છે, જેથી પાણીનો ઉપયોગ મર્યાદિત અને કરકસરયુક્ત કરવો ખૂબ જરૂરી છે. આમ થશે તો જ જળ દિવસની ઉજવણી સાચા અર્થમાં સાર્થક બનશે.
વાસ્મોના સી.ઇ.ઓ અનિષ માંકડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ૧૭૪૫૨ પાણી સમિતિઓ કાર્યરત છે. જેમાં ૨ લાખથી વધુ સભ્યો છે, તેમાં એક લાખથી વધુતો મહિલા સભ્યો છે. ૭૮૦ મહિલા પાણી સમિતિઓ કાર્યરત છે.
આ પ્રસંગે વોટર બજેટીંગના રાજયના ત્રણ એમ્બેસેડર વિદ્યાર્થી દિવ્યાબેન ડી. ચૌઘરી, નૌમાન આઇ. મોમીન અને ધાર્મીબેન બી. દેસાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. શૌચાલયમાં વધુ પડતા વપરાતા પાણીના વપરાશને બચાવવા માટેના ડયુઅલ ફલશ સિસ્ટમની ગહન સમજ-નિદર્શનના પ્રદર્શનને તેમણે ખૂલ્લું મૂકયું હતું.