અધ્યાય – ૨
શ્ર્લોક – ૧૨
” નત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપા: II
ન ચૈવ ન ભવિશ્યામ: સર્વે વયમત: પરમ II ૨/૧૨ II”
અર્થ:-
” હું, તું કે આ બધા રાજાઓ કોઇ કાળમાં નહોતા એમ નથી અથવા આપણે બધાજ હવે પછી નહીં હોઇએ એવું પણ નથી. ”
શોકમગ્ન થયેલા અર્જુનને યુધ્ધ માટે તૈયાર કરવા સારુ અથવા તો એમ કહીએ કે અર્જુનના પાત્ર દ્વારા ભગવાને સમસ્ત જગતને મનુષ્યનું જીવન શું છે અને તે કઇ રીતે જીવવું જોઇએ તેનું માર્ગદર્શન પૂરુ પાડેલ છે. અહીં ભગવાને જે વાત કરીછે તેના પરથી એટલું તો જરૂર સ્પષ્ટ થાય છે કે ભગવાન તેમજ આપણો આત્મા અહીંયાં યુગો યુગોથી છે અને યુગોના યુગો સુધી રહેવાના છે જ. આત્મા અને પરમાત્માની શાશ્વતતા દર્શાવવામાં આવી છે. જો આપણે અહીં અગાઉ ન હતા અને માત્ર એક જ વાર પ્રગટેલા હોઇએ તો એમ થાય કે એક વાર અવતાર મળ્યોને એમાં ય પાછું પોતાના પિતરાઇ ભાઇઓ સાથે જ યુધ્ધ કરવું વાજબી ન લાગે એમ માની શકાય, પણ ભગવાન તો સીધું એમ જ કહી દે છે કે ભાઇ જો તું કે હું કે પછી આપણે બધા પહેલાં ક્યારેય નહતા અને નથી હોવાના એવું છે જ નહિ . આપણે તો અહીં જૂદા જૂદા સ્વરૂપે કાયમના વસાહતી છીએ.
આમ આ શ્ર્લોકમાં ભગવાને તેમનું અસ્તિત્વ અનાદી કાળથી છે અને અનંત વર્ષો સુધી તે રહવાનું જ છે તે બાબતનું સમર્થન કરેલ છે. તે જ રીતે આત્માના અસ્તિત્વ બાબતે પણ સમર્થન પૂરું પાડેલ છે.આપણે આ જન્મ લઇને પહેલી વખત જ ધરતી ઉપર આવ્યા છીએ તેવું નથી. ઇશ્વરની જેમ આત્મા પણ શાશ્વત છે માત્ર તે પોતાના દેહ બદલે છે એટલું જ. અસ્તુ.
– અનંત પટેલ